વડોદરા હરણી બોટ દુર્ઘટનાનાં એક વર્ષ બાદ મૃતકો અને ઇજાગ્રસ્તો માટે વળતર જાહેર કરાયું

harniBoatKand

જાન્યુઆરી – 2024 માં ન્યુ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ વડોદરામાં હરણી તળાવે પ્રવાસ ગયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકોના મોત નિપજ્યા હતા. અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન પીડિત પક્ષને સાંભળીને વળતરની યોગ્ય રકમ નક્કી કરવા માટે જણાવ્યું હતું. જે બાદ વડોદરાના નાયબ કલેક્ટર સમક્ષ સુનવણી હાથ ધરવામાં આવી હતી.

આ દુર્ઘટનાનાં એક વર્ષ બાદ આજે મૃતકો અને ઇજાગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. હરણી બોટ દુર્ઘટનામાં મૃતકના પરિવારને વળતર પેટે રૂ. 31,75,700 આપવાનો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે. જો કે, પીડિત પક્ષ દ્વારા પ્રતિ મૃતક રૂ. 5 કરોડના વળતરની માંગ કરવામાં આવી હતી.

વડોદરા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી. કે.સાંબડેએ જણાવ્યું છે કે, હાઈકોર્ટની અરજીના આધારે તમામ 12 મૃતક બાળકોના પરિવારજનોને વળતર પેટે રૂ. 31,75,700 (પ્રતિબાળક) આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મૃતક શિક્ષિકા પૈકી છાયા બેનને રૂ. 11,21,900 અને ફાલ્ગુની બેનને રૂ. 16,68,029 ચૂકવવાનો આદેશ કર્યો છે. તેમજ બે ઈજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર આપવાની જાહેરાત કરી છે.

આ તમામને અરજી દાખલ તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ કર્યો છે. હરણી લેક ઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને આ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. એક વર્ષથી ન્યાય ઝંખી રહેલા પરિવારજનોને આખરે તંત્રએ વળતર જાહેર કર્યું, પરંતુ

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોષી સહિત અનેક નેતાઓએ કોર્પોરેશન પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘આ વર્ષે કોર્પોરેશનની ભૂલના કારણે કુલ 30 વ્યક્તિએ જીવ ગુમાવ્યો. હરણી બોટ કાંડમાં વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પીડિત પરિવારો લાચારીથી મદદ માટે આજીજી કરી રહ્યા છે, જે આપણા માટે શરમજનક છે.’

કોર્પોરેશનના અધિકારીઓએ આ ઘટનામાં કોન્ટ્રાક્ટર કાયદા અને નિયમો મુજબ કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવાનું હતું, પરંતુ તેમાં પણ બેદરકારી રખાઈ હતી. કોન્ટ્રાક્ટર કોટિયા બંધુએ પેડલ બોટ ચલાવવાની હતી, પરંતુ તેઓ તેના બદલે મોટર બોટ ચલાવતા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. કોન્ટ્રાક્ટરે ત્યાં બેન્ક્વેટ હૉલ બનાવી દીધો અને જાહેરાતોના હોર્ડિંગ્સ લગાવીને કોમર્શિયલ ધંધા કર્યા. તળાવની આસપાસની તમામ મિલકતો પોતાની હોય એ રીતે તેનો ઉપયોગ કરતા હતા.