સોનું આજે એટલે કે 29 જાન્યુઆરીના રોજ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. અમેરિકાની ટેરિફ નીતિ મુદ્દે ભીતિના કારણે સ્થાનિક બજારોમાં તેજી જોવા મળી છે.
આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 506 રૂપિયા વધીને 80,819 રૂપિયા થઈ છે. અગાઉ મંગળવારે તેની કિંમત 80,313 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. એમસીએક્સ ખાતે છેલ્લા દસ દિવસમાં સોનું રૂ. 2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. તે 678 રૂપિયા વધીને 90,428 રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે.
31 ડિસેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 76,162 રૂપિયા હતી. છેલ્લા 29 દિવસમાં તેમાં 4,657 રૂપિયાનો વધારો થયો છે. તેમજ, 31 ડિસેમ્બરે, 1 કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી. આ દરમિયાન તેમાં પણ 4,411 રૂપિયાનો વધારો થયો છે.
ડોલર સામે રૂપિયો આજે ઈન્ટ્રા ડે તૂટ્યા બાદ અંતે 1 પૈસા સુધરી 86.56 પર બંધ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ પણ વ્યાજના દર યથાવત રહેવાની શક્યતા સાથે 108 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ચીનમાં લુનાર ન્યૂ યર હોલિડે ચાલી રહ્યો હોવાથી બજારો બંધ છે. રોકાણકારો ચાલુ કેલેન્ડર વર્ષની પ્રથમ ફેડ બેઠક પર નજર રાખી રહ્યા છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો ક્યા બાદ ફેડ આ બેઠકમાં હોકિશ વલણ જાળવી રાખે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજના દરો ઘટાડવા અપીલ કરી છે. જેથી તમામ માર્કેટ માટે આ ફેડની બેઠક મહત્ત્વની બની છે.
2024માં સોનાએ 20% અને ચાંદીએ 17% રિટર્ન આપ્યું
ગયા વર્ષે સોનાના ભાવમાં 20.22%નો વધારો થયો હતો. તેમજ ચાંદીના ભાવમાં 17.19%નો વધારો થયો છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ સોનું 63,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે 31 ડિસેમ્બર 2024ના રોજ 76,162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આ દરમિયાન એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 86,017 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી.