મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રનાં ભંડારા જિલ્લાના જવાહર નગરમાં સ્થિત ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના સી સેક્શનમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા છે. ગંભીર રીતે ઘાયલ 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
શુક્રવારે મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે એક યુનિટની છત તૂટી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, 7 ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો. વિસ્ફોટ પછી ફેક્ટરીની આસપાસ લોખંડ અને પથ્થરના ટુકડા છવાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તાર ધુમાડાથી ઢંકાઈ ગયો હતો. જ્વાળાઓ અને ધુમાડો દૂર દૂરથી જોઈ શકાતો હતો.
અહેવાલો અનુસાર, જવાહરનગર સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ RKR બનાવવા માટેની શાખામાં થયો છે. ફેક્ટરીમાં સેનાના હથિયારો બનાવવામાં આવે છે. વિસ્ફોટ પછી, સેક્શન બિલ્ડિંગની છત પડી ગઈ. તેમાં 13 થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. વહીવટી ટીમો બચાવ કામગીરીમાં લાગી છે. મળતી માહિતી મુજબ, એક પછી એક અનેક વિસ્ફોટ થયા છે.
નાગપુરના પીઆરઓ ડિફેન્સના જણાવ્યા અનુસાર, બચાવ કાર્ય ચાલુ છે. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ભંડારાના કલેક્ટર સંજય કોલ્ટેએ જણાવ્યું હતું કે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે છત દૂર કરવા માટે JCB ની મદદ લેવામાં આવી રહી છે. આ ફેક્ટરીના LTP (લોંગ ટર્મ પ્લાનિંગ) વિભાગમાં બન્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સંરક્ષણ મંત્રાલય અને સંરક્ષણ ડોકટરોની ટીમ પણ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, “મહારાષ્ટ્રના ભંડારા ખાતે ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ વિશે જાણીને ખૂબ દુઃખ થયું… બચાવ ટીમો સ્થળ પર તૈનાત છે. અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શોક વ્યક્ત કર્યો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભંડારા ઓર્ડનન્સ ફેક્ટરી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કર્યું કે તેઓ આ ઘટના વિશે જાણીને ખૂબ જ દુઃખી છે અને બચાવ ટીમો ઘટનાસ્થળે તૈનાત છે. ઉપરાંત, તેમણે અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરવાની વાત કરી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શોક વ્યક્ત કર્યો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે છત તૂટી પડવાથી 13 થી 14 કામદારો ફસાયેલા છે, અને અત્યાર સુધીમાં 5 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે છે અને શક્ય તમામ સહાય આપવામાં આવી રહી છે.