ગુજરાતમાં તાજેતરના સમયમાં ચોરી અને લૂંટના બનાવોમાં ઘણો વધારો થયો છે. તેવામાં આજે મંગળવારે ખેડા જિલ્લામાં એક કરોડ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે.
ખેડા-અમદાવાદ હાઇવે પર વડાલા પાટિયા પાસેના પુલ પર રિક્ષામાં જઈ રહેલ અમદાવાદનાં વેપારી પાસેથી ૧ કરોડ રૂપિયાની લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કારમાં આવેલ ચાર લોકોએ અનાજના વેપારીની રિક્ષા આંતરી તેમની પાસે રહેલા ૧ કરોડ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લૂંટારુઓની તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ડાભી 1 કરોડ રૂપિયા રોકડા લઈને રિક્ષામાં મિત્રો સાથે નડીયાદથી અમદાવાદ આવી રહ્યા હતા. ખેડાના અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડાલા નજીક પુલ પર પહોંચ્યા તે સમયે પાછળથી આવી રહેલી ઈકો કારે રિક્ષાને આંતરી ઉભી રખાવી હતી. ત્યારબાદ 4 લોકો કારમાંથી ઉતરી રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી હતી અને રિક્ષામાં મુકેલ રૂપિયા 1 કરોડ રોકડ ભરેલો થેલા હતો, તે ઉઠાવી આ લૂંટારુ ટોળકી ફરાર થઈ હતી.
આ બનાવ મામલે રિક્ષા ચાલક હસમુખ ડાભીએ ખેડા ટાઉન પોલીસ મથકે ઈકો કારમાં આવેલા 4 શખસ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ લૂંટારુ ટોળકીએ ખોટી ગાળો બોલી, દારૂ પી રિક્ષા ચલાવે છે તેમ જણાવી મોઢાના ભાગે ફેંટો મારી ધમકી આપી હતી.
ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હસમુખ ડાભીની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. FSLની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.