વડાપ્રધાન મોદીએ ભારત મોબિલિટી એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું; મારુતિની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા રિવીલ, હ્યુન્ડાઈ, ટાટા, હીરોના વ્હીકલ પણ થશે લોન્ચ

bharatMobilityGlobalExpo2025

ભારત મોબિલિટી એક્સ્પો આજથી શરૂ થયો છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું

Bharat Mobility Global Expo 2025: ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો આજથી એટલે કે 17 જાન્યુઆરીથી શરૂ થયો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે કર્યું છે. આ એક્સ્પો 17 થી 22 જાન્યુઆરી સુધી ચાલશે. ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રીઓ જીતન રામ માંઝી, મનોહર લાલ, નીતિન ગડકરી, એચડી કુમારસ્વામી, પીયૂષ ગોયલ અને હરદીપ સિંહ પુરી પણ હાજર હતા.

આ એક્સ્પોનું સત્તાવાર નામ ‘ધ મોટર શો’ રાખવામાં આવ્યું છે. 34 ઓટોમોબાઇલ કંપનીઓ આ એક્સ્પોમાં પ્રથમ વખત ભાગ લઈ રહી છે. આ સંખ્યા 1986માં યોજાયેલી ઓટો એક્સપોની પ્રથમ આવૃત્તિ પછી સૌથી વધુ છે. આજથી શરૂ થઈ રહેલા ગ્લોબલ એક્સ્પોમાં ટુ-વ્હીલર, પેસેન્જર વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટના ઓરિજિનલ ઈક્વિપમેન્ટ ઉત્પાદકો તેમના હાલના ઉત્પાદનો સાથે નવી ટેકનોલોજીનું પ્રદર્શન કરશે.

આ વખતે આ ઓટો એક્સ્પો ત્રણ જગ્યાએ આયોજિત કરવામાં આવી રહ્યો છે. જેમાં પહેલું આયોજન નવી દિલ્હીના ભારત મંડપમમાં, બીજું દ્વારકામાં યશોભૂમિ ખાતે અને ત્રીજું ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો સેન્ટરમાં યોજાઈ રહ્યું છે. આ વખતે તેની એન્ટ્રી બિલકુલ ફ્રી છે. આવી સ્થિતિમાં તમારા માટે આ એક મોટી તક છે.

દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ઓટો એક્સપો મોટર શો, ટાયર શો, બેટરી શો, મોબિલિટી ટેક, સ્ટીલ ઇનોવેશન અને ઇન્ડિયા સાઇકલ શો જેવા કાર્યક્રમોનું આયોજન કરશે. દિલ્હીના દ્વારકા વિસ્તાર સ્થિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે બીજો ઓટો એક્સપો કોમ્પોન્ટ્સ શો યોજાશે. વિવિધ પ્રકારનાં વાહનોના સ્પેરપાર્ટ્સ અહીં પ્રદર્શિત કરવામાં આવશે. ગ્રેટર નોઇડા સ્થિત ઇન્ડિયા એક્સપો સેન્ટર એન્ડ માર્ટમાં ઇન્ડિયા કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એક્સપો યોજાશે, જ્યાં મેન્યુફેક્ચરિંગ સંબંધિત ઇક્વિપમેન્ટનું પ્રદર્શન કરવામાં આવશે.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ અનુસાર, જો આપણે ઓટો એક્સપોમાં ભાગ લેનારા ઉત્પાદકો વિશે વાત કરીએ, તો તેમાં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા કિર્લોસ્કર મોટર, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા, કિયા ઈન્ડિયા અને સ્કોડા ઓટો ફોક્સવેગનનો સમાવેશ થાય છે. ભારત, BMW ગ્લોબલ લક્ઝરી બ્રાન્ડ જેવી કે, મર્સિડીઝ-બેન્ઝ, પોર્શ ઈન્ડિયા અને BYD જોડાઈ રહી છે.

જ્યારે ટુ-વ્હીલર કેટેગરીમાં ટીવીએસ મોટર કંપની, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, હોન્ડા મોટર સાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા, સુઝુકી મોટર સાયકલ અને યામાહા ઇન્ડિયા જેવી માર્કેટ લીડર બ્રાન્ડ્સ ભાગ લેશે. જ્યારે, કોમર્શિયલ સેક્શનમાં વોલ્વો આઈસર કોમર્શિયલ વ્હીકલ, અશોક લેલેન્ડ, જેબીએમ અને કમિન્સ ઈન્ડિયા જેવા નામ સામેલ હશે. આ સિવાય એથર એનર્જી, ઓલા ઇલેક્ટ્રિક, ટીઆઈ ક્લીન મોબિલિટી, ઈકા મોબિલિટી અને વિયેતનામ સ્થિત વિનફાસ્ટ જેવી ઇલેક્ટ્રોનિક વ્હિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ તેમના મોડલ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે.

મારુતિ સુઝુકીએ ઇન્ડિયા ગ્લોબલ મોબિલિટી એક્સપો 2025માં એની પહેલી ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા રજૂ કરી છે. મારુતિએ આ કારને બે બેટરી પેક વિકલ્પો સાથે રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે આ કાર એકવાર ફુલ ચાર્જ થયા પછી 500 કિલોમીટરથી વધુ ચાલશે. જૂન સુધીમાં એ યુરોપ, જાપાન અને ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

BMW તેની નવી BMW X3 લોન્ચ કરવા સિવાય ઓલ-ઇલેક્ટ્રિક BMW i7 પ્રદર્શિત કરશે. કમ્પોનન્ટ શોમાં લગભગ સાત દેશોના 1,000 થી વધુ પ્રદર્શકો ભાગ લેવાના છે.

કાર્યક્રમનું શેડ્યુલ?

ઓટો એક્સ્પો 19 થી 22 જાન્યુઆરી સુધી સામાન્ય લોકો માટે ખુલ્લો રહેશે. આ બધા દિવસોમાં સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઇવેન્ટની મુલાકાત લઈ શકાય છે.