ગત વર્ષે વિશ્વમાં સૌથી લાંબી ફ્લાવર વોલનો રેકોર્ડ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાવ્યો હતો.
અમદાવામાં યોજાયેલ ઈન્ટરનેશનલ ફ્લાવર શોનો ડંકો વિશ્વભરમાં વાગ્યો છે. ફ્લાવર શોમાં બનેલા વિશાળ બુકેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મંગળવારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે તેને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે તરીકે જાહેરાત કરી અને પ્રમાણપત્ર જારી કર્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે તેને સૌથી લાંબી ફૂલ દિવાલ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો હતો. આ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે (સાઇઝના માપ દંડોને આધારે) માટે ફરી એક વાર ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવી અમદાવાદને ફરી એક વાર વિશ્વ ફલક પર મૂક્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં ફ્લાવર શોની શરૂઆત કરી હતી.આ વખતે ફ્લાવર શોમાં 50 પ્રજાતિના 10 લાખ ફૂલો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ફ્લાવર શો હવે માત્ર દેશ જ નહીં પણ એશિયાનો સૌથી મોટો ફ્લાવર શો બની ગયો છે. આ વખતે ફ્લાવર શોમાં VIP સ્લોટ પણ રાખવામાં આવ્યા છે.
સૌથી મોટા ‘બુકે’ની વિશેષતાઓ શું છે?
આ અદ્ભુત ‘બુકે’ 10.24 મીટર ઉંચી (લગભગ 34 ફૂટ) છે. અને તેની ત્રિજ્યા 10.84 મીટર છે. આ ‘બુકે’ ફ્લાવર શોમાં આવતા લોકો માટે ઉત્સુકતાનો વિષય બન્યો છે. પ્રવાસીઓ આ ‘બુકે’ પાસે ઘણી સેલ્ફી અને ફોટા ક્લિક કરી રહ્યા છે. ફ્લાવર શોના ઉદઘાટન પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમનો ફોટો પણ પડાવ્યો હતો.
આની પહેલા આ રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. આ એવાર્ડ 7 બાય 7 મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે 18 ફેબ્રુઆરી 2024 ના રોજ એનાયત કરવામાં આવેલ. આજે તારીખ 7 જાન્યુઆરી, 2025 ના રોજ ગિનિસ બૂકની ટીમ દ્વારા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 3 જાન્યુઆરીથી ઇન્ટરનેશનલ ફ્લાવર શો શરૂ થયો છે. જે 22 જાન્યુઆરી સુધી ચાલશે.ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. સપ્તાહના અંતે, ખાસ કરીને શનિવાર-રવિવારની રજાઓમાં ભારે ભીડની અપેક્ષા છે. ફ્લાવર શોના આયોજન પાછળ લગભગ 15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.