ફિલ્મ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી સીટથી લોકસભા સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ રિલીઝ થવાની છે. તેનું ટ્રેલર આવી ગયુ છે. આ ફિલ્મમાં તેમણે ભારતનાં પૂર્વ વડાંપ્રધાન અને પ્રિયંકા ગાંધીની દાદી ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. એક્ટ્રેસે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને પણ ફિલ્મ જોવા માટે વિનંતી કરી હતી. કંગના રનૌત સંસદમાં પ્રિયંકા ગાંધીને મળી ત્યારે તેણે આ બાબતે વાત કરી હતી.
કંગનાએ પ્રિયંકા ગાંધીને ફિલ્મ જોવાની કરી ઓફર
કંગનાએ કહ્યું કે, “હું સંસદમાં પ્રિયંકા ગાંધીજીને મળી અને મેં તેમને પહેલી વાત કહી કે ‘તમારે ઈમરજન્સી જોવી જોઈએ.’ પ્રિયંકાજી ખૂબ જ નમ્ર હતા અને કહ્યું, ‘હા, કદાચ.’ મેં કહ્યું, ‘તમને તે ચોક્કસ ગમશે.’ કંગનાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રિયંકા તેનાં દાદી વિશે ઘણી વાતો કરે છે. ઉપરાંત તેમણે ઘણીવાર તેમનાં ભાષણોમાં તેમના સ્વર્ગસ્થ દાદી ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો છે અને તેમની પાસેથી પ્રેરણા મળતી હોવાની વાત કરી છે.
કંગનાએ ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ઈમરજન્સી’ માત્ર એક ફિલ્મ નથી પણ આપણા ઈતિહાસનું દર્પણ છે…. ઈમરજન્સી શા માટે જાહેર કરવામાં આવી… કેવી રીતે લોકશાહી અને તેની સામે ઉભેલી હિંમતને ચૂપ કરી દીધી.
કંગનાએ પોતે દરેકને ભારતના આ શક્તિશાળી પ્રકરણના સાક્ષી બનવા વિનંતી કરતા કહ્યું કે, તેને ચૂકશો નહીં, 17 જાન્યુઆરી 2025ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં ‘ઇમર્જન્સી’નો અનુભવ કરો.
ભારતમાં લાદવામાં આવેલી ‘ઈમર્જન્સી’નો સમયગાળો બતાવાયો છે
કંગનાએ ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીના પાત્રની પોતાની સંવેદનશીલતા અને ઊંડાણ છે. આમાં ભારતમાં લાદવામાં આવેલી ‘ઈમર્જન્સી’નો સમયગાળો બતાવવામાં આવ્યો છે. હું માનું છું કે આ એક ઘટના અને વ્યક્તિત્વનું ખૂબ જ સંવેદનશીલ અને બુદ્ધિશાળી ચિત્રણ છે. મેં ઈન્દિરા ગાંધીનું પાત્ર ખૂબ જ સંવેદનશીલતા અને સન્માન સાથે ભજવવાનો પ્રયાસ કર્યો છે.
ઈન્દિરા ગાંધીના અંગત જીવન વિશે જાણવાનો મોકો મળ્યો
કંગનાએ કહ્યું હતું કે આ ફિલ્મ માટે રિસર્ચ દરમિયાન મેં તેમના અંગત જીવન પર ઘણું ધ્યાન આપ્યુ હતું. પતિ, મિત્રો અને વિવાદાસ્પદ સંબંધો પર. મેં પોતે વિચાર્યું કે એક વ્યક્તિમાં બીજું પણ ઘણું બધું જાણવા માટે હોય છે. મેં આ રોલને કરવા માટે ખાસ ધ્યાન રાખ્યું છે. જ્યારે વાત મહિલાઓની હોય છે તો હંમેશા પુરુષોની સાથે તેમના સંબંધો કે સનસનીખેજ ઘટનાઓ સુધી જ સિમિત કરી દેવામાં આવે છે.
ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થશે
આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં કંગના રનૌત, અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક, મિલિંદ સોમન, મહિમા ચૌધરી જેવાં દિગ્ગજ કલાકારો દેશના રાજકીય નેતાઓની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું ડિરેક્શન કંગના રનૌતે પોતે કર્યું છે. ‘મણિકર્ણિકા’ સિવાય છેલ્લાં 9 વર્ષમાં કંગના રનૌતની તમામ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે. હવે કંગના અને તેના ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
‘ઈમર્જન્સી’ 14 જૂન, 2024ના રોજ રિલીઝ થવાની હતી
ફિલ્મ ‘ઈમર્જન્સી’ 14 જૂન, 2024ના રોજ રિલીઝ થવાની હતી, જોકે લોકસભાની ચૂંટણીને કારણે એને મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ, આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી, જોકે રિલીઝના થોડા દિવસો પહેલાં જ સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી. આરોપ છે કે ફિલ્મમાં વિવાદાસ્પદ દૃશ્યો છે, જેના કારણે શાંતિ ડહોળી શકે છે. ત્યારબાદ કંગનાએ 30 ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે તેની ફિલ્મ ‘ઇમર્જન્સી’ પાસ થઈ ગઈ હતી, પરંતુ કેટલાક શક્તિશાળી લોકોના દબાણને કારણે સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ મામલે કંગના હાઈકોર્ટ પહોંચી હતી.
ફિલ્મને 17 ઓક્ટોબરે સેન્સર બોર્ડની મંજૂરી મળી
કંગના રનૌતે 17 ઓક્ટોબરે કહ્યું હતું કે આ ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. સર્ટિફિકેશનના મુદ્દા પર નિર્ણય બાકી હોય ત્યાં સુધી ફિલ્મની રિલીઝને રોકી દેવામાં આવી હતી. કંગના વિરુદ્ધ દેશભરમાં અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈમરજન્સી 1975માં ઈન્દિરા ગાંધી દ્વારા ભારતમાં જાહેર કરાયેલ ઈમરજન્સી પર આધારિત છે.
‘ભારત ભાગ્ય વિધાતા’ની જાહેરાત
કંગના રનૌતે તેના આગામી પ્રોજેક્ટ ‘ભારત ભાગ્ય વિધાતા’ની જાહેરાત કરી હતી. તેણે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સ્ક્રીન પર વાસ્તવિક જીવનની વીરતાનો જાદુ જોવા માટે તૈયાર રહો. આ ફિલ્મની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છું.