દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. યાદીમાં 29 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હી સીટ પરથી અરવિંદ કેજરીવાલ સામે પ્રવેશ વર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. AAPના અગ્રણી નેતાઓ સામે ભાજપે પોતાના અગ્રણી ચહેરાઓને મેદાનમાં ઉતારતા ભારે રસાકસી જોવા મળશે.
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે પણ અત્યારસુધીમાં ત્રણ યાદીમાં 48 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે ભાજપે પણ આજે(શનિવારે) વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે અરવિંદ કેજરીવાલ સામે નવી દિલ્હી બેઠક પરથી પૂર્વ સાંસદ પ્રવેશ વર્માને ઉમેદવાર બનાવ્યા છે.
AAP સામે ભાજપે પોતાના અગ્રણી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે
ભાજપે પોતાની પ્રથમ યાદીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સામે મોટા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતાપાર્ટીએ અરવિંદ કેજરીવાલ સામે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી પ્રવેશ વર્માને ટિકિટ આપી છે. સાથે જ પૂર્વ સાંસદ રમેશ બિધુરીને કાલકાજી બેઠક પરથી સીએમ આતિશી સામે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય રવીન્દ્ર સિંહ નેગીને પટપરગંજ સીટ પરથી ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
29ની યાદીમાં બે મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે
ભાજપે 29 બેઠકો પર જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં બે મહિલા છે. રેખા ગુપ્તાને શાલીમાર બાગ અને કુમારી રિંકુને સીમાપુરી એસસી સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભાજપે કોને ક્યાંથી ટિકિટ આપી?
દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થાય છે. ચૂંટણીપંચ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી.