રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024; 4 ખેલાડીઓને “ખેલ રત્ન”, 34 ખેલાડીઓને “અર્જુન એવોર્ડ”, 5 કોચને “દ્રોણાચાર્ય એવોર્ડ”થી સન્માનિત કરાશે

khelratna

17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે એવોર્ડ સમારોહ યોજાશે.

Khel Ratna Award: રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ની જાહેરાત રમત મંત્રાલય દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી. ઓલિમ્પિક ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકર, વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ, હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળશે, જેમાંથી 2 લાઈફ ટાઈમ અચિવમેન્ટ માટે છે. 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે, જેમાંથી 2 લાઈફ ટાઈમ અચિવમેન્ટ માટે છે.

યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે (2 જાન્યુઆરી 2025) રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરી છે. શુક્રવારે (17 જાન્યુઆરી 2025 ) સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ આપવામાં આવશે. સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ, સરકારે નીચેના ખેલાડીઓ, કોચ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે.

મનુ ભાકરે ઓલિમ્પિક ડબલ મેડલ જીત્યો હતો
મનુ ભાકરે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. તે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિક્સ ડબલ્સમાં ત્રીજા સ્થાને રહી હતી. તેના બે મેડલના આધારે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા હતા.

18 વર્ષનો ડી ગુકેશ યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન
18 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ 11 ડિસેમ્બરે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ મેચમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. આટલી નાની ઉંમરમાં આ ખિતાબ જીતનાર ગુકેશ વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલાં 1985માં રશિયાના ગેરી કાસ્પારોવે 22 વર્ષની ઉંમરમાં આ ખિતાબ જીત્યો હતો.

હરમનપ્રીતની કપ્તાનીમાં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો હતો
હરમનપ્રીત સિંહની કપ્તાની હેઠળ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ અને એશિયન ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ સમયે હરમનપ્રીતે ત્રણ વખત FIH એવોર્ડ્સમાં પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો છે.

પ્રવીણે હાઈ જમ્પમાં પેરાલિમ્પિક ગોલ્ડ જીત્યો હતો
પ્રવીણ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની ઊંચી કૂદમાં એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ટોકિયો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રવીણે T64 ઈવેન્ટમાં પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 2.08 મીટરની ઊંચાઈને ક્લીયર કરીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. પ્રવીણ કુમાર ઉત્તર પ્રદેશનો છે.

અર્જુન એવોર્ડ વિજેતા

  • જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)
  • અન્નુ રાની (એથ્લેટિક્સ)
  • નીતુ (બોક્સિંગ)
  • સ્વીટી (બોક્સિંગ)
  • વંતિકા અગ્રવાલ (ચેસ)
  • સલીમા ટેટે (હોકી)
  • અભિષેક (હોકી)
  • સંજય ( હોકી)
  • જર્મનપ્રીત સિંઘ (હોકી)
  • સુખજીત સિંઘ (હોકી)
  • રાકેશ કુમાર (પેરા તીરંદાજી)
  • પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)
  • જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)
  • અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)
  • સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)
  • ધરમબીર (પારા એથ્લેટિક્સ)
  • પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)
  • એચ હોકાતો સેમા (પેરા એથ્લેટિક્સ)
  • સિમરન જી (પેરા એથ્લેટિક્સ)
  • નવદીપ (પેરા એથ્લેટિક્સ)
  • નીતિશ કુમાર (પેરા બેડમિન્ટન)
  • તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)
  • નિત્યા શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન)
  • રામદાસ (પેરા બેડમિન્ટન)
  • કપિલ પરમાર (પેરા જુડો)
  • મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)
  • રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)
  • સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)
  • સરબજોત સિંઘ (શૂટિંગ)
  • અભય સિંહ (સ્ક્વોશ)
  • સાજન પ્રકાશ (સ્વિમિંગ)
  • અમન (કુસ્તી)

રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કાર (આજીવન)

  • સુચા સિંઘ (એથ્લેટિક્સ)
  • મુરલીકાંત રાજારામ પેટકર (પેરા-સ્વિમિંગ)

દ્રોણાચાર્ય પુરસ્કાર (નિયમિત શ્રેણી)

  • સુભાષ રાણા (પેરા-શૂટિંગ)
  • દીપાલી દેશપાંડે (શૂટિંગ)
  • સંદીપ સાંગવાન (હોકી)

દ્રોણાચાર્ય પુરસ્કાર (આજીવન શ્રેણી)

  • એસ. મુરલીધરન (બેડમિન્ટન)
  • આર્માન્ડો એગ્નેલો કોલાકો (ફૂટબોલ)

રાષ્ટ્રીય રમત પ્રમોશન એવોર્ડ

  • ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા

રાષ્ટ્રીય રમત પુરસ્કાર
ભારતમાં રમતગમતના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે રાષ્ટ્રીય રમત પુરસ્કાર આપવામાં આવે છે. જેમાં ખેલાડીઓ, કોચ અથવા સંસ્થાઓને તેમની સિદ્ધિઓ અને ભારતીય રમતના વિકાસમાં યોગદાન બદલ 6 અલગ-અલગ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે.