રાજ્યસભાની 3 બેઠક પર ચૂંટણી માટે ચૂંટણીપંચ ચૂંટણીની જાહેરાત કરી શકે છે.

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. આ તમામ બેઠકો પૈકી આઠ બેઠક ભાજપ પાસે અને ત્રણ કોંગ્રેસ પાસે છે. લોકસભા ચૂંટણી 2024 પહેલાં હવે ગુજરાત ચૂંટણીનાં પરિણામોના આધારે ભાજપને કોંગ્રેસ પક્ષની પણ બે બેઠકનો ફાયદો મળી શકે છે. એની પાછળ કારણ એ છે કે ભાજપના રાજ્યસભાના ત્રણ સભ્ય એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવાડિયા ઓગસ્ટ 2023માં નિવૃત્ત થશે. આ ત્રણ બેઠક જીતવામાં ભાજપને કોઈ મુશ્કેલી નહીં પડે.

તો બીજી તરફ, એપ્રિલ 2024માં લોકસભા ચૂંટણી વચ્ચે ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે. એટલે 2024માં કોંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે.

ભાજપની વિધાનસભામાં બહુમતી જોતાં ત્રણેય બેઠક જીતવી સરળ
ગુજરાતના વિધાનસભાના પરિણામોના આધારે ભાજપને ત્યારે ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. આ ઉપરાંત જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. એમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ 2026માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠકો હાંસલ કરી શકે છે. આમ, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે.

દેશમાં રાજ્યસભાની રચના વર્ષ 1954માં 23 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. રચનાનો હેતુ કાયમી ગૃહ રાખવાનો હતો. જે રીતે લોકસભાનું વિસર્જન કરી શકાય છે એવી જ રીતે રાજ્યસભાનું વિસર્જન થતું નથી, કારણ કે એને કાયમી ગૃહ માનવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ પણ ચૂંટાયેલા સાંસદ કરતાં એક વર્ષ વધુ એટલે કે છ વર્ષનો હોય છે. બંધારણના અનુચ્છેદ 80 મુજબ રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા 250 હોઈ શકે છે. આ 250માંથી 238 સભ્યો કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ચૂંટાયા છે. બાકીના 12 સભ્ય દેશની કોઈપણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈ શકે છે,. જેને રાષ્ટ્રપતિ નામાંકિત કરે છે.