સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ- બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં થયેલી જૂથ અથડામણ બાદ સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બે દિવસથી શહેરમાં દબાણો દૂર કરાઇ રહ્યા છે. ગઈ કાલે મંગળવારે સાંજે મચ્છીપીઠ, સલાટવાળા, તાંદલજા વિસ્તારના રોડ ઉપરના ગેરકાયદે દબાણો દૂર કર્યાં હતાં.
આજે બીજા દિવસે સંગમ ચાર રસ્તાથી ફતેપુરા રોડ ઉપરના કાચા-પાકા શેડ તેમજ ગેરકાયદે ઊભેલી લારીઓનાં દબાણો દૂર કર્યાં હતાં. સતત બીજા દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ- બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી કરવામાં આવતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં. સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનની ટીમ અને પોલીસની કામગીરીનો વિરોધ વ્યક્ત કરી કામગીરી અટકાવવા પ્રયાસ કર્યો હતો.
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા જેસીબી, ડમ્પર સાથે દબાણો દૂર કરવા માટે ફતેપુરા ખાતે પહોંચી ગઈ હતી, પરંતુ સમયસર પોલીસ-બંદોબસ્ત ન મળવાના કારણે બે કલાક સુધી દબાણ શાખાની ટીમને ઊભા રહેવાની ફરજ પડી હતી. જેનો લાભ લઇને કેટલાક દબાણકર્તાઓ પોતાના લારી-ગલ્લા લઇને ત્યાંથી જતા રહ્યાં હતા. પોલીસ-બંદોબસ્ત મળ્યા બાદ દબાણ શાખાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક તબક્કે વેપારીઓ અને દબાણ શાખા વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, પરંતુ પોલીસ-બંદોબસ્તના કારણે કોઈ અપ્રિય ઘટના બની ન હતી.
નાના મોટા ઓટલા, લારી ગલ્લા સહીત શેડના દબાણો દૂર કરી 6 ટ્રક ભરી સામાન જપ્ત કર્યો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણકારો અને પાલિકાની ટીમ વચ્ચે માથાકૂટ થઇ હતી. એક દબાણકારે પાલિકાની દબાણશાખાના કર્મચારીને જોઇ લેવાની ધમકી પોલીસની હાજરીમાં આપી હતી. દબાણકારો લારી છોડાવી જવાનો પ્રયાસ કર્યો હતો અને પાલિકાની ટીમ સાથે ગેરવર્તણૂક પણ કરી હતી.