ગેરરીતિ કરનાર હોસ્પિટલોને દંડથી લઈને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે: ડીડીઓ ડૉ. હસરત જાસ્મીન
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે મહેસાણા જિલ્લામાથી, PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) યોજના અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં 20 હોસ્પિટલોમાં ગેરરીતિ થઈ હોવાનું સપાટી પર આવ્યુ છે. વહીવટી તપાસમાં વિવિધ ગેરરીતિઓનો પર્દાફાશ થયો, જે દર્શાવે છે કે આ હોસ્પિટલોએ યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે.
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોને જરૂરિયાત ન હોવા છતાં અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી. જેમાં 2 દર્દીઓનાં મોત થયાં હતાં. જે મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. સરકારી યોજના હેઠળ ખોટી રીતે પૈસા કમાવવા લોકોના આરોગ્ય સાથે ચેડાં કર્યાં હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલે PMJAY હેઠળ ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હવે મહેસાણા જિલ્લાની 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે.
ખ્યાતિ હોસ્પિટલના બહુચર્ચિત કૌભાંડ પછી સ્થાનિક તંત્રે ધરેલી તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે. આ તમામ હોસ્પિટલોએ સરકારી યોજનાનો દુરુપયોગ કર્યાનો આરોપ છે, જેથી તેને દંડથી લઈને બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવા પ્રાથમિક અહેવાલ છે. મહેસાણાના ડીડીઓ ડૉ. હસરત જાસ્મીન, જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રિવ્યૂ બેઠક યોજાઈ છે.
મહેસાણાના ડીડીઓ ડૉ. હસરત જાસ્મીને આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘ગેરરીતિ કરનાર હોસ્પિટલોને નોટિસ પણ આપી છે અને તેની સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. ઘણી હોસ્પિટલ છે તેની પાસેથી રિકવરી કરી રહ્યા છીએ. તો કેટલીક હોસ્પિટલ બ્લેકલિસ્ટ પણ થઈ શકે છે. હોસ્પિટલોને નિયમ મુજબ ચાલવાનું હોય છે. નિયમોનો ભંગ કરાતા હોસ્પિટલો વિરૂદ્ધ એક્શન લેવાયા છે.’