મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલીસણા ગામના 19 લોકોને જરૂરિયાત ન હોવા છતાં અમદાવાદ લાવી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડો. પ્રશાંત વઝીરાણી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી લીધી છે. ડો. પ્રશાંત વઝીરાણીએ પૈસા કમાવવા લોકોના આરોગ્ય સાથે ચેડાં કર્યાં હોવાનું સામે આવ્યું છે.
ખ્યાતિ હોસ્પિટલના બેદરકાર તબીબો અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ જે ડોક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે ડો. સંજય પટોળિયા રાજકોટમાં ન્યુ લાઈફ હોસ્પિટલ અને સુરતમાં સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જે ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ 2 દર્દીઓનાં મોત થયાં હતાં તેની શરૂઆત કરનાર જ ડો. સંજય પટોળિયા છે.
ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ સામે સદોષ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ 2 દર્દીઓનાં મોત થયાં હતાં. જે મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા સોલા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ CDMO ડો. પ્રકાશ મહેતાએ ઓપરેશન કરનાર ડો. પ્રશાંત વઝીરાણી, ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પટોળિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને CEO સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કલમ 105,336(2),336(3),318,340(1),340(ns2),61 હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, કડીના બાલીસણા ગામના દર્દીઓને જરુર ન હોવા છતા તપાસ કરવી, બિનજરુરી સારવાર કરવી, જીવનો જોખમમાં મૂકવો, મૃત્યુ નિપજાવવું, યોગ્ય સંમતિપત્રક પર સહી ન લેવી અને અન્ય બેદરકારી દર્શાવી હોવાના મુદ્દાઓને આધારે હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલ પાસે ગુજરાત નર્સિંગ હોમ એક્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનમાંથી મંજૂરી મળેલી છે. પરંતુ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તે કરાવેલું નથી.
નિષ્ણાત ડોક્ટરોએ કરેલી આ તપાસમાં સામે આવ્યું છે કે, આ દર્દીઓને કોઇપણ બીમારી ન હતી અને તેમને એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવાની કોઇ જરૂરિયાત ન હતી. તમામ આરોપીઓએ ભેગા મળી સરકારની પી.એમ.જે.એ.વાય યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાના બદઇરાદાથી પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી અને દર્દીઓની વાસ્તવિક અને સાચી શારીરિક પરિસ્થિતિ ન દર્શાવી ખોટી હકીકત દર્શાવી તેમજ દર્દીઓને ગેરમાર્ગે દોરી દર્દીઓ પાસે સ્ટેન્ટ મુકાવવા અને દર્દીઓ પાસે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવા માટે ખોટી રીતે સંમતિપત્રમાં સહી લીધી હતી. તેમના ઓપરેશન કરી ખોટી રીતે સ્ટેન્ટ મૂકી હોસ્પિટલમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી સરકાર પાસેથી ખોટા આર્થિક લાભ મેળવવાના હેતુથી બે દર્દીનાં મોત નિપજાવ્યાં હતાં. અન્ય દર્દીઓનાં મોત થાય તેવી રીતે ઓપરેશન કરી શારીરિક ઇજા પહોંચાડી હોવાથી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ફરિયાદ કરી છે.