ભારત 12 વર્ષ પછી ઘર આંગણે ટેસ્ટ સિરીઝ હાર્યું, ન્યુઝીલેન્ડે 2-0 થી જીત મેળવી

newzealand

ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટ મેચમાં ભારતને 113 રને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે ભારત સતત 18 સીરિઝમાં જીત બાદ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હાર્યું છે.

પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 113 રને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. આ મેચ સાથે ન્યુઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0 સાથે જીત મેળવી લીધી છે અને પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. આ સાથે ભારત 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હાર્યું છે.

359 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયા 245 રનમાં સમેટાઈ ગઈ
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 359 રનના ટાર્ગેટના જવાબમાં ટીમ ઈન્ડિયા તેની બીજી ઈનિંગમાં 245 રનમાં સમેટાઈ ગઈ હતી અને સિરીઝ હારી ગઈ હતી. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 77 રન બનાવ્યા અને રવિન્દ્ર જાડેજાએ 42 રનની ઈનિંગ રમી. શુભમન ગિલ 23 રન, રોહિત શર્મા 8 રન બનાવીને આઉટ થયો.

ભારતીય ટીમ 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી છે. છેલ્લી વખત ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડે 2012 માં ચાર મેચની ટેસ્ટમાં હરાવ્યું હતું. જે બાદ ભારતે સતત 18 શ્રેણી જીતી હતી. જોકે, હવે ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવીને 36 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતી હતી. હવે તેણે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે.

2000 પછી 25 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સતત બે ટેસ્ટ હારી છે. દક્ષિણ આફ્રિકાએ 2000માં બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યું હતું.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 1955માં રમાઈ હતી. બંને દેશોના 69 વર્ષ જૂના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ન્યુઝીલેન્ડની ટીમે ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી છે.