ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઈને નવો કરાર, વિદેશ મંત્રાલયે આપી જાણકારી

india-china

વિદેશ સચિવે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, “ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પર પેટ્રોલિંગનો કરાર થયો છે. આ કરાર બાદ એલએસી સૈનિકોની વાપસી અને બાદમાં આ મુદ્દાના સમાધાનનો માર્ગ મોકળો થઈ શકશે.”

બ્રિક્સ સમિટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા રવાના થતાં પહેલા ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચાલી રહેલા તણાવને હલ કરવા એક મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બ્રિક્સ સમિટ પહેલા થયો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી આપશે.

ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિંશ્રીએ સોમવારે આ સમજૂતી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સૈનિકોને પાછા ખેંચવા અને પરિસ્થિતિના નિરાકરણ માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી પૂર્વી લદ્દાખમાં બંને દેશ વચ્ચેના સરહદી વિવાદનો ઉકેલ આવી શકે છે અને સંઘર્ષ પણ ઓછો થઈ શકે છે.

પેટ્રોલિંગની નવી સિસ્ટમ પર સહમત થયા પછી બંને દેશો તેમની સેના પાછી ખેંચી શકે છે. આ કરાર ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે સંબંધિત છે. હાલમાં સૈનિકોને ડેપસાંગ મેદાન ડેમચોકમાં પેટ્રોલિંગ પોઈન્ટ પર જવાની મંજૂરી નથી. નવો કરાર આ મુદ્દાઓ સાથે સંબંધિત છે. આ સાથે 2020ના ગલવાન જેવા સંઘર્ષને ટાળી શકાય છે.

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, અગાઉ જણાવ્યા મુજબ, અમે WMCC દ્વારા અને સૈન્ય સ્તરે અને વિવિધ સ્તરે લશ્કરી કમાન્ડરોની બેઠકો દ્વારા ચીનના વાર્તાકારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. ભૂતકાળમાં, આ ચર્ચાઓ વિવિધ સ્થળોએ સ્ટેન્ડઓફના ઉકેલમાં પરિણમી છે. તમે એ પણ જાણતા હશો કે એવી કેટલીક જગ્યાઓ હતી જ્યાં મડાગાંઠ ઉકેલી શકાઈ નથી.

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “પ્રધાનમંત્રી મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે કાલે કાઝાન રવાના થશે. ભારત બ્રિક્સમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને તેના યોગદાને આર્થિક વિકાસ, સતત વિકાસ અને વૈશ્વિક શાસન સુધાર જેવા ક્ષેત્રોમાં બ્રિક્સના પ્રયાસોને આકાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ગત વર્ષે જોહાનિસબર્ગમાં બ્રિક્સનો પહેલા વિસ્તાર બાદ આ પ્રથમ શિખર સંમેલન થઈ રહ્યું છે.”

1 ઓક્ટોબરે ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે ચીન સાથે ભારતની સ્થિતિ સ્થિર છે, પરંતુ એ સામાન્ય નથી, એ એકદમ સંવેદનશીલ છે. આપણે લડવું પડશે, સહયોગ કરવો પડશે, સાથે રહેવું પડશે, ચીનનો મુકાબલો કરવો પડશે અને એને પડકારવો પડશે. તેમણે કહ્યું હતું કે એપ્રિલથી ભારત અને ચીન વચ્ચે 17 કમાન્ડર સ્તરની બેઠકો થઈ છે. અમે આ બેઠકોમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

વિદેશમંત્રી જયશંકરે 12 સપ્ટેમ્બરે સ્વિટ્ઝર્લેન્ડના જીનિવામાં સમિટ દરમિયાન કહ્યું હતું કે ચીન સાથેના 75% વિવાદનો ઉકેલ આવી ગયો છે. વિદેશમંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરહદ પર વધતા લશ્કરીકરણનો મુદ્દો હજુ પણ ગંભીર છે.

જયશંકરે કહ્યું હતું કે 2020માં ચીન અને ભારત વચ્ચે ગલવાન અથડામણથી બંને દેશોના સંબંધો પર ખરાબ અસર પડી છે. સરહદ પર હિંસા થયા બાદ અન્ય સંબંધો પર એની અસર નહીં થાય એવું કોઈ કહી શકતું નથી, જોકે 25 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે તેમના નિવેદનની સ્પષ્ટતા કરી કે 75% વિવાદો ઉકેલાઈ જશે. તેમણે કહ્યું, ‘મેં આ માત્ર સૈનિકોની પીછેહઠના સંદર્ભમાં કહ્યું હતું.’

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે લાઓસમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નેતાઓ વચ્ચે ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે ચીનના વિદેશમંત્રીને LAC અને અગાઉના કરારોનું સન્માન કરવા જણાવ્યું હતું.

જયશંકરે કહ્યું હતું કે સંબંધોમાં સ્થિરતા બંને દેશોના હિતમાં છે. તેમણે વાંગ યીને કહ્યું હતું કે ભારત-ચીન સંબંધો પુનઃસ્થાપિત કરવાનું મુખ્ય કારણ સરહદ વિવાદ છે. તેમણે કહ્યું હતું કે સરહદ પર જે પણ સ્થિતિ હશે એ જ આપણા સંબંધોમાં પણ જોવા મળશે.

ગલવાન ખીણમાં શું થયું?

  • 15 જૂન 2020ના રોજ ચીને પૂર્વ લદ્દાખના સરહદી વિસ્તારોમાં કવાયતના બહાને સૈનિકો તહેનાત કર્યા હતા. આ પછી ઘણી જગ્યાએ ઘૂસણખોરીની ઘટનાઓ બની હતી.
  • ભારત સરકારે પણ આ વિસ્તારમાં ચીન જેટલી જ સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે LAC પર ગોળીઓ છોડવામાં આવી.
  • આ દરમિયાન 15 જૂને ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. બાદમાં ભારતે પણ આનો જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં લગભગ 60 ચીની સૈનિકો માર્યા ગયા હતા.