સલમાન વતી હું માફી માગું છું, સલમાને અજાણતાં કાળિયારને માર્યું એની માફી થોડી માગેઃ સોમી અલી

somi-ali

સલમાનને ખબર નહોતી કે બિશ્નોઈ સમુદાય કાળિયારની પૂજા કરે છેઃ સોમી અલી
સલમાન ખાને કોઈ પ્રાણીની હત્યા કરી નથી
, અમારો પરિવાર અહિંસામાં માને છેઃ સલીમ ખાન

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન હાલમાં લોરેન્સ બિશ્નોઈ દ્વારા મળેલી ધમકીઓના કારણે લાઈમલાઈટમાં છે. એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેની સુરક્ષાને વધુ ચુસ્ત કરી દેવામાં આવી છે. આ મામલે થોડા દિવસો અગાઉ સલમાનની એક્સ ગર્લફ્રેંડ સોમી અલીએ એક પોસ્ટ કરી કહ્યું હતું કે તે લોરેન્સને મળવા માગે છે અને તેમના મંદિરે આવીને પૂજા પણ કરવા માગે છે.

ત્યારબાદ હવે ફરી એક વખત સોમી અલીનું એક નિવેદન સામે આવ્યુ છે. આજતક સાથે થયેલ વાતચીતમાં તેણે જણાવ્યું કે, સલમાનને ખબર નહોતી કે કાળિયારની પૂજા કરવામાં આવે છે, બિશ્નોઈ સમુદાય માટે એ હરણ પૂજનીય છે. હું તેના વતી માફી માગું છું. સલમાનની પાછળ ના પડો. મારે સલમાન સાથે કોઈ લેવાદેવા નથી. મેં તેની સાથે છેલ્લે 2012માં વાત કરી હતી.

સોમીએ કહ્યું, હું માત્ર એટલું જ ઈચ્છું છું કે કોઈની હત્યા ન થાય. મારે આ બધી વાતોથી કોઈ ફાયદો નથી. મારે કોઈ પબ્લિસિટી જોઈતી નથી, પરંતુ હું નથી ઇચ્છતી કે કોઈની હત્યા થાય. જે મારો પાડોશી છે, જે કોઈનો મિત્ર છે તેની હત્યા ન કરવી જોઈએ. કોઈએ કોઈને નુકસાન ન કરવું જોઈએ. હું હિંસા વિરુદ્ધ છું. હું સલમાન સાથે અનેક વખત શિકાર પર ગઈ છું. સોમીએ એવું પણ જણાવ્યું કે હું નવેમ્બરમાં લોરેન્સને મળીશ.

સોમીએ આગળ કહ્યું – જ્યારે સલમાનને ખબર ન હતી કે કાળિયારને બિશ્નોઈ સમુદાય દ્વારા પૂજવામાં આવે છે, તો કોઈ આમાં તર્ક નથી. મારે લોરેન્સ સાથે વાત કરવી છે. હું બિશ્નોઈ સાથે વાત કરવા માગું છું, કારણ કે જ્યારે આ બન્યું ત્યારે તે 5 વર્ષનો હતો. તેને સમજાવવાની જરૂર છે. તમે કોઈપણ બાળકના મનમાં આ વાત ઠસાવી દેશો કે જો સલમાન તમારા ભગવાનને મારી નાખશે તો તે શું સમજશે. તે હવે 33 વર્ષનો છે. તેને બેસીને સમજાવવાની જરૂર છે કે આ ગુનાખોરીને તોડવી જરૂરી છે અને જ્યારે સલમાને કંઈ કર્યું નથી ત્યારે તે માફી શા માટે માગે, આ શું તર્ક છે?

સલમાન આસ્થાથી અજાણ હતો સોમીએ કહ્યું, ‘હું ઈચ્છું છું કે લોરેન્સ મારી સાથે વાત કરે. હું તેને સમજાવીશ કે આ ખોટું છે. જ્યારે હું નવેમ્બરમાં વેકેશન પર ત્યાં આવું છું ત્યારે હું દેવેન્દ્ર સાથે વાત કરવા માગું છું, જે બિશ્નોઈ ગેંગનો લીડર છે, કારણ કે લોરેન્સ એક મૂર્ખ વ્યક્તિ છે. જ્યારે હું તેનું મગજ ઠેકાણે લાવીશ, હું સલમાનના નામે તેની માફી માગીશ.
સલમાને મને કહ્યું કે તે જાણતો નહોતો કે બિશ્નોઈ સમુદાય કાળિયારની પૂજા કરે છે. એ 80 એકરની જમીન છે, ઘણા લોકો ત્યાં જાય છે. એવું નથી કે આજ સુધી માત્ર સલમાન જ ગયો છે. સલમાન સારી વ્યક્તિ છે.

સોમી અલીએ કહ્યું- ‘સલમાન ખાને કાળિયારને મારી નાખ્યું હતું, પરંતુ તેને ખબર નહોતી કે બિશ્નોઈ સમુદાય કાળિયારની પૂજા કરે છે અને તેને ભગવાનની જેમ માને છે. હું નિશ્ચિતપણે કહી શકું છું કે સલમાનને આ વિશે ખબર ન હતી. હું આ જાણું છું, કારણ કે જ્યારે સલમાન જોધપુરથી પાછો આવ્યો ત્યારે તેણે મને આ વિશે જણાવ્યું હતું. એ સમયે હું તેની સાથે રિલેશનશિપમાં હતી.

આ સિવાય સોમીએ કહ્યું હતું કે તે સલમાન ખાન સાથે બિલકુલ વાત કરવા માગતી નથી. તેને સલમાન સાથે કોઈ સંબંધ કે કનેક્શન નથી. હું 17 વર્ષથી છોકરીઓ અને મહિલાઓ માટે અવાજ ઉઠાવી રહી છું. હું હિંસા વિરુદ્ધ છું.

આ દરમિયાન બિશ્નોઈ સમાજના પ્રમુખ દેવેન્દ્ર બિશ્નોઈએ કહ્યું- જૂઠું બોલીને કોઈ બચી શકે નહીં. સલમાન ખાનનો આખો પરિવાર જૂઠું બોલી રહ્યો છે. સલમાનને હવે માફી નહીં મળે. કોર્ટે ખુદ સલમાનને દોષિત ઠેરવ્યો છે. સોમી અલી સાથે મારો કોઈ સંપર્ક નથી.

સલીમ ખાને કહ્યું હતું કે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો નથી. તેનો આખો પરિવાર ધમકીઓથી ડરી ગયો છે. અમારી હરવા- ફરવાની સ્વતંત્રતા ખતમ થઈ ગઈ છે. સલમાન ખાને કોઈ પ્રાણીની હત્યા કરી નથી. જો સલમાને ક્યારેય વંદો પણ માર્યો નથી તો માફી કેમ માગવી? અમે હિંસા કરતા નથી. આ સિવાય સલીમ ખાને કહ્યું- અમે બીઇંગ હ્યુમન દ્વારા ઘણા લોકોની મદદ કરી છે. લોકો અમને ખૂબ જ શિષ્ટ માણસ કહે છે. સલીમ ખાન પણ થોડા ભાવુક દેખાતા હતા.