અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વસ્ત્રાપુર, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, નારણપુરા, વાડજ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો

RainAhmedabad

અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ તૂટી પડ્યો

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી શહેરીજનો અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે બપોરે 3 વાગ્યાની આસપાસ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે શહેરના સિંધુ ભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ તૂટી પડ્યો જેના કારણે અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી હોય તેવા દૃશ્યો સર્જાયા.

શહેરના નારણપુરા, મેમનગર, સી જી રોડ, રિવરફ્રન્ટ, એલિસબ્રિજ, લાલ દરવાજા, વાસણા, પાલડી, વસ્ત્રાપુર, લો ગાર્ડન, પ્રહલાદનગર, સાયન્સ સિટી, માણેકબાગ, નિકોલ, કોમર્સ છ રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો. રિવર ફ્રન્ટ અને સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારમાં ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ અને એક્ઝિબિશનમાં પહોંચેલા લોકો પણ વરસાદના કારણે મુશ્કેલીમાં મૂકાયા.

બીજી તરફ આજે અને કાલે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ જ પ્રકારની પરિસ્થિતિ અમરેલી અને ભાવનગરમાં પણ જોવા મળી શકે છે.

આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોર્મ જોવા મળી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ફેરફાર જોવા મળી શકે છે.

વરસાદ સાથે આગામી 24 ઓક્ટોબરથી ગુજરાત પર વાવાઝોડાનું પણ સંકટ જોવા મળી રહ્યુ છે. હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 22 થી 25 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડુ સર્જાઈ શકે છે. વાવાઝોડાની ગતિ 100 થી 120 કિમી સુધી રહે તેવુ અનુમાન છે. જો આ ચક્રવાત સર્જાશે તો થાઈલેન્ડ થઈને સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવશે, જેની સીધી અસર ગુજરાતમાં વર્તાશે. વાવાઝોડાને કારણે 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના જૂદા જૂદા ભાગમાં વરસાદ પ઼ડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે.