CM કે PM આવે ત્યારે જ સફાઈ થાય તેવુ ના હોવુ જોઈએ, કાયમ માટે સફાઈ થવી જોઈએઃ CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા મુદ્દે કરી ટકોર

bhupendra-patel

સ્વચ્છતાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાનાં તંત્રને માર્યો ટોણો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે. આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતેના ‘સાંસદ અટલ જનસેવા કેન્દ્ર’નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહીવટી તંત્રને ટકોર કરતા કહ્યું હતું કે, આજે વડોદરા આવ્યો ત્યારે સફાઈ જોવા મળી છે. પરંતુ માત્ર સીએમ અને પીએમ આવે ત્યારે જ સફાઈ થાય તેવું ના હોવું જોઈએ. આ પ્રકારની સફાઈ કાયમ માટે થવી જોઈએ. ‘વડોદરા તો સંસ્કાર નગરી છે અને એટલે જ સ્વચ્છતાને સ્વભાવ બનાવીને તેને સંસ્કારમાં ઉતારવો પડે.

વડાપ્રધાને સફાઈ અભિયાન શરૂ કર્યું છે ત્યારે આપણે બધાએ તેમાં જોડાવું પડશે. સરકાર અને કોર્પોરેશન તો આ કામ કરશે પણ વડોદરાના લોકોએ સાથે રહીને આ કામ કરવાનું છે.’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરાના વહીવટી તંત્રના અધિકારીઓને અરીસો બતાવતું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુખ્યમંત્રીએ વડોદરાનો વિકાસ થયો નથી તેવી ગંભીર ટકોર કરી હતી. વડોદરાની એક મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘વડોદરા બીજા શહેરો કરતા કેમ પાછળ રહી ગયું છે તેના કારણો તપાસવા જોઈએ.’ આ નિવેદન આજે પણ વડોદરાના રાજકીય વર્તુળોમાં છાશવારે ચર્ચાતું હોય છે ત્યારે તેમણે આજે કરેલી વાત પણ ઘણી સૂચક હતી.

મુખ્યમંત્રીએ મંચ પરથી પાલિકાના વહીવટ કર્તાઓને જોરદાર તમાચો મારતા ઉપસ્થિત પદાધિકારીઓની હાલત કાપે તો લોહી ન નીકળે તેવી થઇ હતી. તેમણે કહ્યું હતું કે ડોદરા કોર્પોરેશનના શાસકો જ્યારે પણ સીએમ કે પીએમ આવવાના હોય ત્યારે શહેરને કામચલાઉ સુંદર બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરે છે. તેમના રૂટ પરથી દબાણો હટાવી દેવાય છે, રસ્તા પરથી ગંદકી દૂર થઈ જાય છે અને ટ્રાફિક નિયમન પણ યોગ્ય રીતે થવા માંડે છે. એટલું જ નહીં, ક્યારેક તો બ્યુટિફિકેશનની કામગીરી પણ થઈ જાય છે. જો કે મુખ્યમંત્રી અને વડાપ્રધાનની મુલાકાત પૂરી થાય તે પછી પરિસ્થિતિ પહેલા જેવી જ થઈ જાય છે. આ બાબતથી મુખ્યમંત્રી પણ વાકેફ છે. જો કે તેનો ઉલ્લેખ તેમણે જાહેરમાં પહેલી વખત કર્યો છે.

વડોદરાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ કોઈના માટે શરૂઆત હોય છે. બોજ રાખ્યા વગર કામ કરીએ તો સક્સેસ થવાય છે. પરિસ્થિતિ કોઈના જીવનમાં એકસરખી રહી નથી.અમદાવાદમાં રતનપોળ છે જ્યાં બધા કાપડના વેપારીઓ છે. ગભરાવવાનું નહીં આપણે આપણો વિચાર દુનિયા સામે મૂકવો જોઇએ. એક્સેપટ થાય છે કે નહીં તે દુનિયા નક્કી કરશે. કાશ્મીરમાં પહેલીવાર સંવિધાન સાથે સરકારે શપથ લીધા છે. પર્યાવરણને સાથે રાખોને ચાલવાની જરૂર છે.

તેમણે વડોદરા લોકસભા મતદાર વિસ્તારના નાગરિકોને તમામ સરકારી યોજનાઓના લાભો સરળતાથી ઉપલબ્ધ કરાવવા સિંગલ વિન્ડો જેવી આ સુવિધા શરૂ કરવા માટે સાંસદ હેમાંગ જોશીને અભિનંદન આપ્યા હતા અને મતદાર વિસ્તારના નાગરિકોની યથાસંભવ કાળજી લેવાના તેમના અભિગમને બિરદાવ્યો હતો.

કલેક્ટર કચેરીના પ્રવેશદ્વારે સાંસદ હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને આખા આયોજનથી તેમને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ તકતીનું અનાવરણ કરી અને રિબન છોડી લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારના વિવિધ 10 વિભાગોના કુલ રૂપિયા 5 અબજથી વધુ રકમના 468 વિકાસ કામોની લોકાર્પણ અને ખાતમુહૂર્તના રૂપમાં આજે વડોદરા જિલ્લાને ભેટ મળી રહી છે.