દિવાળીનાં તહેવારને પગલે ગુજરાત એસટી 8340 બસોની વધારાની ટ્રીપ દોડાવશે, અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને લાભ મળશે

gsrtc

મુસાફરો પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. 1800-233-666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે

ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરીકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ગુજરાત એસટીની 8,340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ રાજ્યના અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને મળશે તેમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

આ વર્ષે સુરત ખાતેથી 2200 બસો, દક્ષિણ- મધ્ય ગુજરાત માંથી 2900, સૌરાષ્ટ્ર – કચ્છમાંથી 2150 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1090 મળીને કુલ 8,340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સેવાઓનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. એસ.ટીમાં મુસાફરી કરતા મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. 1800-233-666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.

દિવાળીના એક્સ્ટ્રા સંચાલનના આયોજનને ખુબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત માસ કરતા હાલમાં તહેવારોના પરિણામે થઇ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં 18%નો વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

નિગમના સુરત વિભાગ દ્વારા તારીખ 26થી તારીખ 30 ઓક્ટોબર 2024 દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની 2200 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના અન્ય વિભાગો દ્વારા પણ દિવાળીના સમયગાળા દરમ્યાન એકસ્ટ્રા સેવાઓનું રાજ્યના વિવિધ રૂટ ઉપર સંચાલન હાથ ધરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.

ઉલેખ્ખનીય છે કે, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દૈનિક 8,000થી વધુ બસો, 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે.