6,6,6,6,6…. સંજુ સેમસને એક જ ઓવરમાં 5 સિક્સ ફટકારી, ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 297 રન બનાવીને ઈતિહાસ રચ્યો

sanju-semsan

40 બોલમાં સદી, 47 બોલમાં 111 રન ફટકાર્યા, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 297 રન બનાવીને ઈતિહાસ રચ્યો છે. આ કોઈપણ ટેસ્ટ રમતા દેશનો સર્વશ્રેષ્ઠ T20 સ્કોર છે. સાથે જ ભારત તરફથી સંજુ સેમસને પણ બેટ વડે તોફાની બેટીંગ કરી ધૂમ મચાવી દીધી હતી.

ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગ કરવા આવેલા સંજુ સેમસને તોફાની બેટિંગ કરતા સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 111 રન બનાવ્યા. તેણે રિશાદ હુસૈનની એક ઓવરમાં સતત 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય તેણે પહેલા 22 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.

ભારતે ઓપનર અભિષેક શર્માની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ સંજુ સેમસનને કેપ્ટન સૂર્યકુમાર યાદવનો સાથ મળ્યો હતો. સંજુએ 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જેમાં તેણે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 47 બોલમાં 111 રન બનાવ્યા હતા. સંજુ અને સૂર્યકુમાર યાદવની જોડીએ બીજી વિકેટ માટે 69 બોલમાં 172 રનની ભાગીદારી કરી હતી.

સૂર્યકુમાર યાદવ 75 રન, હાર્દિક પંડ્યા 47 રન અને રિયાન પરાગ 35 રન બનાવીને આઉટ થયા હતા. બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન શાકિબે 3 વિકેટ ઝડપી હતી. ભારત ત્રીજી T-20 શ્રેણીમાં 2-0થી આગળ છે.

આ સાથે જ સંજુ સેમસન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકીપર બની ગયો છે. તેણે લિયામ લિવિંગસ્ટોન અને હઝરતુલ્લા જજઈને પાછળ છોડી દીધા. પૂર્ણ મેમ્બર ટીમ સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટરની આ ચોથી સૌથી ઝડપી સદી છે. આ યાદીમાં પહેલા નંબર પર ડેવિડ મિલર છે. જેણે 2017માં બાંગ્લાદેશ સામે 35 બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્માએ પણ 35 બોલમાં આ સિદ્ધિ મેળવી છે.