ભારતે આ મેચમાં ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ દાવમાં સૌથી ઝડપી 50, 100, 150, 200 અને 250 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો.
કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ મેચનું પરિણામ ભલે પાંચમા દિવસે આવી ગયું હોય, પરંતુ નિયમો અનુસાર, મેચનો નિર્ણય માત્ર બે દિવસની રમતમાં જ આવી ગયો હતો. ભારતે શ્રેણી 2-0થી ક્લીન સ્વીપ કરી લીધી છે. આર અશ્વિન તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો છે જ્યારે કાનપુરમાં યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.
ટીમ ઈન્ડિયાએ જે આક્રમક અભિગમ સાથે કાનપુર ટેસ્ટ જે રીતે જીતી તે વર્ષો સુધી યાદ રહેશે. ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ 280 રનથી જીત્યા બાદ, ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ 7 વિકેટે જીતીને શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું અને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું. ભારતે 95 રનનો ટાર્ગેટ 18 ઓવર પૂરી થાય તે પહેલા જ મેળવી લીધો હતો. રિષભ પંતના ચોકાની મદદથી ભારતે શ્રેણી 2-0થી જીતી લીધી હતી. આ જીતની ખાસ વાત એ હતી કે આખી મેચ દરમિયાન કોઈએ નિરાશ કર્યું નથી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને ત્રીજા દિવસ સુધી માત્ર 35 ઓવરની જ મેચ રમાઈ હતી. પ્રથમ દિવસે 35 ઓવરની રમત હતી, જ્યારે બીજા અને ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. ચોથા દિવસે રમત શરૂ થઈ ત્યારે એવું લાગી રહ્યું હતું કે મેચ ડ્રો થશે. પરંતુ ચોથા અને પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાએ કરેલી શાનદાર બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ સદીઓ સુધી યાદ રહેશે.
કેપ્ટન અને ટીમ ઈન્ડિયાની રણનીતિ
રોહિત શર્મા ભલે કુલ કેપ્ટન છે, પરંતુ જ્યારે મેચની રણનીતિની વાત આવે છે, ત્યારે તેનો અભિગમ એકદમ આક્રમક બની જાય છે. કેએલ રાહુલે મેચના પાંચમા દિવસ પહેલા કહ્યું હતું કે જ્યારે ટીમ ઈન્ડિયાને ચોથા દિવસે બેટિંગ માટે ઉતરવાનું હતું ત્યારે રોહિતે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, જો તમે આઉટ થઈ જાઓ તો ભલે થઈ જાવ, પરંતુ જે સમય બચ્યો છે તેમાં તમે જેટલા રન કરી શકો તે કરો.
ભારતે 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. મેદાન પર આવેલા 10 બેટ્સમેનમાંથી માત્ર ત્રણ જ એવા હતા જેમનો સ્ટ્રાઈક રેટ 100 કે તેનાથી વધુ હતો. કેપ્ટન રોહિતે પોતે બે છગ્ગા સાથે પોતાની ઇનિંગની શરૂઆત કરીને બાકીના લોકો માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. ભારતે આ મેચમાં ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ દાવમાં સૌથી ઝડપી 50, 100, 150, 200 અને 250 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
યશસ્વીએ બીજા દાવમાં પણ પોતાનું જોરદાર ફોર્મ બતાવ્યું હતું
યશસ્વી જયસ્વાલે પ્રથમ દાવમાં 51 બોલમાં 72 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં પણ યશસ્વીએ 43 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલ સસ્તામાં આઉટ થયા હતા. બીજી ઈનિંગમાં જયસ્વાલ 45 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે ટીમ ઈન્ડિયાને જીતની ઉંચાઈ પર પહોંચાડી દીધી હતી.
બોલરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
કેપ્ટન રોહિતે આક્રમક ફિલ્ડ સેટ કરી બોલરોને પણ શાનદાર રીતે રોટેટ કર્યા. બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગમાં જસપ્રિત બુમરાહે ત્રણ, મોહમ્મદ સિરાજ, આર અશ્વિન, આકાશ દીપે બે-બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. બોલરોએ એક યુનિટ તરીકે સારું પ્રદર્શન કર્યું હતુ.
બાંગ્લાદેશને વાપસી કરવાની કોઈ તક આપી નહીં
બાંગ્લાદેશની બીજી ઇનિંગની સાથે જ ભારતને જીતની ગંધ આવવા લાગી હતી. બાંગ્લાદેશ બીજા દાવમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઝાકિર હસન, હસન મહમૂદ અને મોમિનુલ હકને આર અશ્વિને 36 રન બનાવી પેવેલિયન મોકલ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ શાંતોના ડિફેન્સને તોડીને તેને ક્લીન બોલ્ડ કરી દેતાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. શાદમાને 50 રનની ઇનિંગ રમી હતી, જ્યારે શાંતોએ 19 રન અને મુશફિકુર રહીમે 37 રનનું યોગદાન આપ્યું હતું. બીજા દાવમાં બુમરાહ, અશ્વિન અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી અને એક વિકેટ આકાશ દીપના ખાતામાં ગઈ હતી.