શેરબજારમાં 1,272 પોઇન્ટનો કડાકો, નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો

sensex-nifty

રિયલ્ટી-બેંકિંગ સેક્ટરના શેરને સૌથી વધુ અસર, રોકાણકારોની રૂપિયા 3.57 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ

આજે, 30 સપ્ટેમ્બર, મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં આશરે 1,272 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે. જ્યારે નિફ્ટીમાં પણ 300થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.

જાપાનના બજારોમાંથી મળેલા મંદીના સંકેત, મધ્ય-પૂર્વમાં ભૂરાજકીય જોખમો તથા હેવીવેઈટ શેરોમાં ભારે વેચવાલીને પગલે BSE સેન્સેક્સ 1,272.07 પોઇન્ટ એટલે કે 1.49 ટકા ગગડીને 84,299.78 પર બંધ રહ્યો હતો. BSE ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 3,57,885.53 કરોડ ઘટીને રૂપિયા 4,74,35,137.15 કરોડ થયું હતું. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 3.57 લાખ કરોડનું જંગી ધોવાણ થયું હતું.

જાપાનના નિક્કી ઈન્ડેક્સમાં ભારે ઘટાડો થતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં વ્યાપક પ્રમાણમાં નફારૂપી વેચવાલી જોવા મળતી હતી. સેન્સેક્સ પેકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેન્કના શેરમાં આશરે 3 ટકાનો કડાકો બોલાયો હતો. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે, ટેક મહિન્દ્રા, મારુતિ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તથા ટાટા મોટર્સના શેરોમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળતું હતું.

જોકે JSW સ્ટીલ, NTPC, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ તથા ટાઈટનના શેરોમાં તેજી જોવા મળી હતી. સેક્ટરવાઈઝ જોવામાં આવે તો ઓટો ઈન્ડેક્સ 1.91 ટકા, બેન્કેક્સ 1.82 ટકા, રિયલ્ટી ઈન્ડેક્સ 1.80 ટકા, ફાયનાન્શિયલ સર્વિસિસ 1.40 ટકા ગગડ્યા હતા. આજે કૂલ 2,223 કંપનીના શેરોમાં મંદી અને 1,819 સ્ક્રીમાં સુધારો જોવા મળતો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 23 ઘટી રહ્યા છે અને 7માં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 35 ઘટી રહ્યા છે અને 15માં તેજી છે. NSEના રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલા શુક્રવાર એટલે કે 27મી સપ્ટેમ્બરે શેરબજારે સતત 8મા દિવસે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. સેન્સેક્સ 85,978 અને નિફ્ટી 26,277ના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો હતો.

ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે તંગદિલી વચ્ચે વૈશ્વિકસ્તરે ભૂરાજકીય તણાવની સ્થિતિ વધારે ગંભીર બની છે. તેને પગલે એશિયામાં સાઉલ, ટોક્યોના શેરબજારમાં ઘટાડો જોવા મળતો હતો. જાપાનનો નિક્કી 225 ઈન્ડેક્સ આશરે પાંચ ટકા તૂટ્યો હતો. દરમિયાન ચીનમાં નવેસરથી સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત વચ્ચે શાંઘાઈ કોમ્પોઝીટ ઈન્ડેક્સ 8 ટકા ઉછળ્યો હતો.