ભારત-બાંગ્લાદેશ ટેસ્ટઃ કોહલીએ તેંડુલકરનો રૅકોર્ડ તોડ્યો, જયસ્વાલે સેહવાગનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

kohli-jaiswal

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. વરસાદના કારણે 3 દિવસ સુધી મેચમાં વિક્ષેપ પડ્યો હતો. જો કે ચોથા દિવસે મેચ કોઈપણ વિઘ્ન વિના શરૂ થઈ હતી. ભારતે ચોથા દિવસે શાનદાર બોલિંગ ઉપરાંત શાનદાર બેટિંગ પણ રજૂ કરી હતી. જેમાં કેટલાય જૂના રેકોર્ડ તૂટ્યા હતા.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. આ મેચમાં તેણે 35 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. આ સાથે જ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂરા કરી નવો કીર્તિમાન સ્થાપી દીધો હતો અને ક્રિકેટ જગતના મહાન બેટર સચિન તેંડુલકરનો વર્લ્ડ રૅકોર્ડ તોડી ઇતિહાસ રચી દીધો છે.

હવે કોહલી સૌથી ઝડપી 27 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર ક્રિકેટર બની ગયો છે. તેણે આ ઉપલબ્ધી 594 ઇનિંગ્સમાં મેળવી છે. જ્યારે સચિને આ સિદ્ધિ 623 ઇનિંગ્સમાં મેળવી હતી. કોહલીએ સચિન કરતાં 29 ઇનિંગ્સ ઓછી રમીને આ રૅકોર્ડ પોતાના નામે કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 રન કરનાર તે ચોથો બેટર છે.

ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રૅકોર્ડ હજુ પણ સચિનના નામે છે. તેણે 24 વર્ષની કારકિર્દીમાં 664 મેચોમાં કુલ 34,357 રન કર્યા હતા. આ યાદીમાં બીજા સ્થાને શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર કુમાર સંગાકારા છે. જેણે 594 મેચમાં 28016 રન બનાવ્યા છે. તેના પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 560 આંતરરાષ્ટ્રીય મેચમાં 27483 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ પોતાની 594મી મેચમાં 27 હજારનો આંકડો પાર કર્યો છે.

જયસ્વાલે સેહવાગનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

યશસ્વી જયસ્વાલે અદ્દભૂત પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો હતો. જયસ્વાલ ટેસ્ટમાં સૌથી ઝડપી ફિફ્ટી પૂરી કરનારો ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે વીરેન્દ્ર સેહવાગનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. સેહવાગે 2008માં ઈંગ્લેન્ડ સામે 32 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જ્યારે જયસ્વાલે 31 બોલમાં ફિફ્ટી ફટકારીને તેનો રેકોર્ડ તોડ્યો હતો.

ટેસ્ટમાં ભારતીય તરીકે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ રિષભ પંતના નામે છે. તેણે વર્ષ 2022માં શ્રીલંકા સામે 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ સિવાય કપિલ દેવ આ યાદીમાં બીજા સ્થાને છે. તેણે 1982માં કરાચીમાં પાકિસ્તાન સામે આ સિદ્ધિ મેળવી હતી. કપિલે 30 બોલમાં 50 રન બનાવ્યા હતા. ત્રીજા સ્થાને શાર્દુલ ઠાકુર છે, જેણે વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે 31 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જ્યારે સેહવાગ હવે આ યાદીમાં પાંચમા સ્થાને છે. તેણે વર્ષ 2008માં ચેન્નાઈ સામે 32 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

જો આ ટેસ્ટ મેચની વાત કરીએ તો ભારતે પહેલી ઇનિંગ 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રન બનાવીને ડિકલેર કરી હતી. બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં 233 રન બનાવ્યા હતા. ભારતને 52 રનની લીડ મળી છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન, યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ આવતાની સાથે જ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જયસ્વાલ અને રોહિતે મળીને માત્ર 3 ઓવરમાં 51 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 23 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે બીજી તરફ જયસ્વાલે માત્ર 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી અને તેની ઈનિંગ્સ 72 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. મેચમાં માત્ર એક જ દિવસ બાકી હોવાથી તમામ ભારતીય બેટ્સમેનો ઝડપી રન બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી રહ્યા હતા. વિરાટ કોહલીએ 47 રન બનાવ્યા હતા અને કેએલ રાહુલે 68 રનની ઝડપી અને સંતુલિત ઇનિંગ રમીને ભારતને 285ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે 285 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો.