સોનું ઓલટાઈમ હાઈઃ સોનું 75 હજારને પાર જ્યારે ચાંદી 90 હજારની ઉપર પહોંચી

gold-silver

સોનાની કિંમત આજે (26 સપ્ટેમ્બર) તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનું રૂ. 1,313 મોંઘુ થયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 158 રૂપિયા વધીને 75,406 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ બુધવારે તેની કિંમત 75,248 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.

સોનાના ભાવમાં સતત વધારો થવા છતાં, ભારતમાં લોકો નિયમિતપણે સોનામાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે. વૈશ્વિક બજારની સ્થિતિ અને યુએસ ડૉલરની મજબૂતાઈ સહિતના અનેક પરિબળોને કારણે ભારતમાં સોનાના ભાવ બદલાતા રહે છે.

અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકા ઘટાડો કરવામાં આવ્યા બાદ બુલિયન માર્કેટમાં તેજી જ તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારોના સથવારે તેમજ સ્થાનિકમાં આવક કરતાં માગ વધતાં કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચ્યા છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ

  • દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 70,750 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,180 રૂપિયા છે.
  • મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 70,600 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,020 રૂપિયા છે.
  • કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 70,600 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 77,020 રૂપિયા છે.
  • ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 70,600 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,020 રૂપિયા છે.
  • ભોપાલ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 70,650 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,070 રૂપિયા છે.

કોમોડિટી માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે વ્યાજ દરમાં ઘટાડો, ચીન દ્વારા કિંમતી ધાતુની માગમાં વૃદ્ધિ, ઈવી-ગ્રીન એનર્જીના વેગના કારણે ચાંદીની માગ વધી છે. જે વર્ષના અંત સુધી ચાંદી છ ડિજિટનો આંકડો અર્થાત્ 1 લાખની સપાટી ક્રોસ કરે તેવી તીવ્ર શક્યતાઓ દર્શાવે છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) મુજબ, ગ્લોબલ રિન્યુએબલ ક્ષમતા 2030 સુધીમાં 50% વધવાની ધારણા છે, જે ચાંદીની ઔદ્યોગિક માંગને પ્રોત્સાહન આપશે.

ચાંદી રૂ. 100000 ક્રોસ કરે તેવી તીવ્ર શક્યતા
આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. તે રૂ. 87 મોંઘી થઈ અને રૂ. 90,817 પ્રતિ કિલોએ પહોંચી. અગાઉ ચાંદીનો ભાવ રૂ. 90,730 હતો. આ વર્ષે 29 મેના રોજ ચાંદી તેની ઓલ-ટાઇમ હાઈ રૂ. 94,280 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.