અમદાવાદ જિલ્લામાં ગણેશ મહોત્સવ અંગે અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

અમદાવાદ ગ્રામ્યમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહ અને ધામધૂમ પુર્વક મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે તા.૦૭/૦૯/૨૦૨૪ ના રોજ ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થશે અને તા. ૧૭/૦૯/૨૦૨૪ સુધીમાં પ્રતિમાઓનું વિસર્જન થનાર છે. આ મહોત્સવ અગાઉ મુર્તિકાર દ્રારા બનાવવામાં આવતી મુર્તિઓના કદ બાબતે ઉચાઈનું યોગ્ય અને નિયત ધોરણ જાળવી રાખવામાં આવે જેથી વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય અને વિસર્જન શોભાયાત્રા દરમ્યાન ટ્રાફીક સરળતાથી ચાલુ રહે અને કાયદા વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ મૂર્તિ બનાવવાના સ્થળે ગંદકી કરવાના કારણે રોગચાળી ફેલાવવાની શક્યતા રહે છ. મુર્તિ બનાવટમાં બીજા ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કોઈ ચિહ્નો કે નિશાની રાખવામાં ના આવે તે સુનિશ્ચિત કરવું જરુરી છે. ઉપરાંત મુર્તિ બનાવવા માટે કેમીકલ યુક્ત રંગોના ઉપયોગ થતા હોય આવી મુર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા જન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્રારા આપવામાં આવેલ ગાઇડ લાઇન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વખતો-વખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્રારા મુર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઇડ લાઇનને ધ્યાને રાખવી જરૂરી છે. પર્યાવરણ (એન્વયારમેન્ટ પ્રોટેક્શન) એક્ટ-૧૯૮૬ ની કલમ-૫ મુજબ ગુજરાત સરકારશ્રીના વન અને પર્યાવરણ ખાતાના પત્ર નં. ENV/10/2010/1004-Part-II(2021)/T તા.૧૪/૦૮/૨૦૨૪ ની સૂચના અનુસાર નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા મહારાષ્ટ્ર હાઈકોર્ટની સુચના તથા આપેલ આદેશ અનુસાર ગણેશોત્સવ દરમ્યાન પર્યાવરણને નુકશાન ન થાય તે હેતુથી સાચવેતીના પગલા રૂપે નીચે મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાય છે.

આથી આથી હું સુધિર કે. પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ જિલ્લો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૧૬૩ થી મને મળેલ અધિકારની રૂઇએ પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેરની હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો પર અમલવારી કરવા જાહેરનામું બહાર પાડું છું.

(૧) શ્રી ગણેશજીની માટીની મુર્તિ બેઠક સહિતની “૯” ફુટ કરતા વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર.
(૨) શ્રી ગણેશજીની પી.ઓ.પી.ની મુર્તિઓ અને બેઠક સહિતની “પ” ફૂટ થી વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર
(૩) મુર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મુર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવા ઉપર તથા વધેલી તથા ખંડીત મુર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર
(૪) મુર્તિઓની બનાવટ પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર
(૫) કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિહ્નો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા ઉપર
(૬) શ્રી ગણેશજી મહોત્સવ દરમિયાન બિભિત્સ ફિલ્મી ગીતો કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત-સંગીત કે ભાષણો, પ્રવચનો વગાડવા પર તથા ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર કરવા પર.
(૭) પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવા ઉપર.
(૮) પરમીટમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય સ્થળ ઉપર વિસર્જન કરવા પર.
(૯) સ્થાનીક વહીવટીતંત્ર/સ્થાનીક સત્તામંડળો દ્રારા નક્કી કરવામાં આવેલ જગ્યાઓ સિવાયના જળસ્ત્રોતોમાં વિસર્જન કરવા ઉપર
પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ – ૨૨૩ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામું તા. ૧૭/૦૯/૨૦૨૪ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

આ હુકમ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા વિભાગીય પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીના હોદા ધરાવનાર તમામ અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ તથા ગુજરાત પોલીસ એકટ કલમ – ૧૧૭ મુજબ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.