બંને ઘટનામાં પોલીસે 3 બાળકો સહિત કુલ 7 આરોપીઓની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરી
ગુજરાતમાં છેલ્લા 4 દિવસ દરમિયાન ચોથી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. સુરત-વડોદરા-ભરૂચ બાદ 10 સપ્ટેમ્બરે કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ગણપતિની મૂર્તિ ખંડિત કરવાની ઘટના સામે આવી છે.
નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે સુરત પેટર્નથી જ ત્રણ સગીર દ્વારા ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકી મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ગણપતિની મૂર્તિ ખંડિત થઈ હતી. તેમજ ગામમાં આવેલા એક મંદિર પર લીલો વિધર્મી ઝંડો લગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવના પગલે ગામમાં તંગદીલીનો માહોલ ઉભો થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ત્રણ બાળકો સહિત સાત લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ અંગે પૂર્વ કચ્છના એસપી સાગર વાઘમારેએ જણાવ્યું કે, કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ગણપતિ પંડાલમાં ગણપતિની મૂર્તિ ખંડિત થવા અંગે સ્થાનિક પોલીસને જાણ થઈ હતી. જેથી પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આ સિવાય બાજુમાં આવેલા નાનકડા મંદિર પર લીલો વિધર્મી ઝંડો પણ કોઈએ લગાવ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસ દ્વારા આ બન્ને બનાવમાં તપાસ કરવામાં આવી હતી.
રાત્રે LCB અને SOG સહિત આખા જિલ્લાની પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. તપાસમાં જાણવા મળેલ કે ગણપતિની મૂર્તિ ખંડિત કરવામાં ત્રણ સગીર સામેલ હતા. આ સિવાય મંદિર પર ઝંડો લગાવ્યો હતો તેમાં પણ પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. તેમના વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે. કુલ 8 આરોપી છે અને તેમાંથી 7આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સગીર પર જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ ગામમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે.