બિનસરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની 25 સપ્ટેમ્બર અને માધ્યમિકના શિક્ષણ સહાયક માટે 10 ઓક્ટોબરે જાહેરાત પ્રસિદ્ધ થશે
ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ મૂકીને જણાવ્યું છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર, બિનસરકારી અનુદાનિત(ગ્રાન્ટેડ) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તા. ૨૫/૦૯/૨૦૨૪ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક તા. ૧૦/૧૦/૨૦૨૪ના રોજ ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.
પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે, રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તા. 25/09/2024 તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક તા. 10/10/2024ના રોજ ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે
થોડા દિવસ અગાઉ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે પોતાની X પોસ્ટમાં 4 હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં માધ્યમિક વિભાગ માટે 2 હજાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 2 હજાર મળીને કુલ 4 હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે તેમ જણાવ્યું હતુ. જેના માટે આગામી 12 થી 26 સપ્ટેમ્બર દરમિયાન gserc.in ની વેબસાઈટ પર ઑનલાઈન અરજી કરવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગત તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ આચાર્ય તેમજ ગત તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ અંદાજિત ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે, આગામી સમયમાં બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.