હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં વરસવાની આગાહી કરવામાં આવી છે.
આજે બપોર બાદ દ્વારકાના જામ ખંભાળીયામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. છેલ્લા 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારો ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગો જેવા કે પોસ્ટ ઓફિસ રોડ, ચાર રસ્તા રોડ સહિતના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરના મુખ્ય માર્ગો જડેશ્વર રોડ, રામનાથ સોસાયટી, રોડ પર વરસાદી પાણી ભરાયા છે. શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદને પગલે હવે ખેડૂતોને પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાક નષ્ટ થઈ ગયો છે. કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લાના ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીન ગજજન, પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રભારી તારાબેન સહિતની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિત સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. જિલ્લામાં વરસી ગયેલા ભારે વરસાદને પગલે અનેક પશુઓના મોત નિપજ્યા છે, તેમની સહાય તરત જ આપવામાં આવે તેમજ દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માગ કરાઈ હતી.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ માણસામાં 3 ઈંચ વરસાદ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.