પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે. દાતાઓ દ્વારા દાન આપવાનો પ્રવાહ અવિરત ચાલુ જ છે.
બનાસકાંઠામાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ માઁ અંબાના મંદિરમાં અનેક ભક્તો પોતાનું નામ જાહેર કર્યાં વિના સોનાનું દાન કરતાં હોય છે. આજે પણ એવી જ રીતે એક માઈભક્તે સોનાના 100 ગ્રામના 10 બિસ્કિટ ચુંદડીમાં વીંટીને મંદિરની દાન પેટીમાં મૂકીને સોનાનું દાન કર્યુ હતુ.
આજે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને મળેલા દાનનો ભંડારો ચેક કરવામાં આવ્યો હતો. જેમાં દાનપેટી ખોલતા તેની અંદરથી 100 ગ્રામના 10 બિસ્કિટ મળી આવ્યા હતા. જેની અંદાજિત બજાર કિંમત 70 લાખ રૂપિયાથી વધારે થવા જાય છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર મંગળવારના રોજ મંદિરનો ભંડાર ખોલવામાં આવે છે. આ દરમિયાન નીકળતી રકમ એકાઉન્ટ ઑફિસરની હાજરીમાં ગણીને ટ્રસ્ટના ચોપડે જમા લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, માઁ અંબાના મંદિરને સુવર્ણ શિખરથી મઢવા માટે માઈભક્તો દિલ ખોલીને સોનાનું દાન કરી રહ્યા છે. આજથી 6 મહિના અગાઉ પણ એક માઈભક્તે 200 ગ્રામ સોના (જેની અંદાજિત કિંમત 13 લાખ)નું દાન આપીને પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.