પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, મીકેનિકલ ફેલ્યોરના કારણે આ અકસ્માત સર્જાયો છે. જોકે, આ અંગે હજુ પણ તપાસ ચાલુ છે.
સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું છે. આ મશીનની મદદથી ક્રેન દ્વારા પિલ્લર ઉચકી ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની છે. ક્રેઇન નમીને નજીક આવેલા એક મકાન પર પડી હતી. અલબત આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
મેટ્રોની કામગીરી દરમ્યાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી, જેના કારણે બીજી ક્રેન પર બધો વજન આવી જતા બીજી ક્રેઇન ત્રાંસી થઈને પડી ગઈ હતી અને હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું. હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે ત્યાં પાર્ક કરેલી ત્રણ જેટલી ફોવ્હીલર કારો દબાઈ ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો હતો. ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના રહીશો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા. ફાયરના અધિકારીઓ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે.
ઘટનાસ્થળે હાજર ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટના જનરલ મેનેજર પ્રવીણ એરાવતે જણાવ્યું કે, પ્રોસીજર મુજબ કામગીરી એકદમ યોગ્ય ચાલી રહી હતી. આ મીકેનિકલ મશીનરી ફેલ્યોર છે. આ એક અકસ્માત જ છે તો પણ અમે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. જે પણ આમા ડેમેજ થયુ છે એમા અમે ક્રેઈનથી અમે ટેન્ડમ લિફ્ટિંગ કરીને અમારો જે એલ.જી. બોક્સ, જે અમારુ લોન્ચિંગ ગડર છે એનું બોક્સ ઊઠાવી રહ્યા હતા. આ ઘટનામાં અમારી બંને ક્રેઈન ડેમેજ થઈ છે ને એક ઘરને નુકશાન પહોંચ્યું છે તથા એક બાઉન્ડ્રી વોલ ડેમેજ થઈ છે. આ ફક્ત એક અકસ્માત છે. આ અકસ્માતમાં અમુક વસ્તુઓ નિયંત્રણ બહાર હતી. જેમ તમારી ગાડીનું ફેલ્યોર થઈ જાય તેમ આ પણ એક મિકેનિકલ ફેલ્યોર જ હતું.
જ્યારે તેઓને આ કામગીરીના કોન્ટ્રાક્ટર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, આ કામગીરીનો કોન્ટ્રાક્ટર RBL(રણજીત બિલ્ડકોન લિમિટેડ) છે. બેદરકારી દાખવનારને સજા આપવામાં આવશે કે નહી એવું પૂછતા તેઓએ જણાવ્યું કે, અમારુ પહેલું કામ છે ફેક્ચ્યુલ ડેટાની ચકાસણી કરવી કે ફેક્ટ શું છે? એકવાર ફેક્ટ સામે આવે તે પછી સજા શું આપવી? તે નક્કી કરી શકાય. જોકે, તેની પહેલા જે કામ કરવાનું છે તે છે ડેમેજ કંટ્રોલ કરવાનું અને અમે હાલ તે કરી રહ્યા છીએ.
મેયર દક્ષેશ માવાણી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટના અંગે પૂછતા જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ ગંભીર છે. થોડા દિવસ પહેલા પણ આવી ઘટના ઘટી હતી. આ પ્રોજેક્ટનું કામ ગુજરાત મેટ્રો રેલને આધીન છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉની ઘટનામાં પણ ગંભીરતાથી નોંધ લઈને જાણ કરાઈ હતી કે, આવી ઘટના વારંવાર ન ઘટે. જોકે, ઘટના ફરીવાર ઘટી છે ત્યારે મેટ્રો રેલના અધિકારીઓ સાથે વાત કરી છે ને જે કોઈ આમા ગુનેગાર છે તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે. જે પણ કોન્ટ્રાક્ટર હોય તેમની વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરે.
ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલે જણાવ્યું કે, ક્રેનનું બેલેન્સ ખોરવાતા આ ઘટના ઘટી છે અને તેના કારણે નુકશાન પણ થયું છે ત્યારે ગુજરાત મેટ્રો રેલ સાથે આ અંગે સંકલન કરીને નુકશાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના ખૂબ જ ગંભીર છે ને ગુનેગારો વિરુદ્ધ અસકારક ધોરણે પગલાં લેવામાં આવશે.