ગુજરાત નશાબંધી સુધારા બિલ પાસ, દારૂની હેરાફેરીમાં ઝડપાયેલ વોહનોની હવે હરાજી કરાશે

gujarat-vidhansabha

વિધેયકનો મુખ્ય ઉદ્દેશ પોલીસ મથક તેમજ કોર્ટ કમ્પાઉન્ડમાં ખડકાયેલા વાહનો અને તેનો ભંગાર થતો રોકવાનો છે

ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું, જે બહુમતિ સાથે પસાર થયું છે. આ સુધારા વિધેયક રાજ્યમાં નશાબંધી કાયદાના અમલને વધુ દૃઢ બનાવશે સાથો સાથ નશીલા પદાર્થોના ગેરકાયદે વપરાશ અને તેની થતી હેરાફેરી સામે કડક કાર્યવાહી થશે. નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા વાહનોની વેચાણની જોગવાઈમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બૂટલેગરો હવે દારૂની તસ્કરીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને દારૂના ધંધો કરીને સમૃદ્ધ થઇ રહ્યા છે. જેથી તેમના દારૂની હેરાફેરીમાં જપ્ત થયેલાં વાહનોને હવે સરકાર હરાજી કરીને એનો ઉપયોગ સમાજના સારાં કામો માટે ઉપયોગ કરશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકતંત્રમાં ન્યાયિક પ્રક્રિયામાં ખામી શોધીને આરોપીઓ ગાડીઓ છોડાવી લે છે. અને ઉપરાંત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 22,442 જેટલા વાહનો રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ ગયા છે. આ વાહનો પોલીસ સ્ટેશનની બહાર મૂકી દેવામાં આવે છે જેથી આ વાહનોને કારણે ગંદકી થાય છે અને વાહનો ખરાબ થઇ જાય છે. છેલ્લે આરોપી નહીં પરંતુ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થાય છે.

આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ પોલીસ મથક તેમજ કોર્ટ કમ્પાઉન્ડમાં ખડકાયેલા વાહનો અને તેનો ભંગાર થવાને રોકવાનો છે. જે માટે નાયબ પોલીસ અધિક્ષકને આવા ભંગાર થતાં વાહનોની હરાજી કરવાની સત્તા આપવામાં આવી છે. જેથી આવા ગુનામાં પકડાયેલા વહાનોની હરાજી કરીને તે રકમનો ઉપયોગ સમાજના અને મધ્યમ વર્ગના ઉત્થાન માટે કામ કરવામાં ઉપયોગ કરવામાં આવશે.

આ વિધેયક મુજબ નશીલા પદાર્થો સાથે પોલીસે ઝડપેલા વાહનોને કોર્ટની મંજૂરી થકી વેચી શકાશે. જેના આવક થશે તે આવક સરકારી તિજોરીમાં જમા કરવાની રહેશે. તેમણે જણાવ્યું કે, કોઇ કેસમાં જો આરોપી સુપ્રીમ કોર્ટમાં નિર્દોષ સાબિત થશે અને કેસ જીતી જશે તો તેને તેના વાહનની હરાજીની કિંમત સાથે દર વર્ષે 5 ટકાવ્યાજ સાથે નાણાં પરત કરાશે. જેથી તેની જોડે પણ અન્યાય ન થાય.

ઉલ્લેખનીય વાત એ છે કે,આ પહેલા એવો કાયદો હતો કે, નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા વાહનો કોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી વેચી શકાતું ન હતું.