વિજય સુવાળાએ 40થી વધુ મિત્રો સાથે મળીને કર્યો હુમલાનો પ્રયાસ, પોલીસ ફરિયાદ નોંધાઇ, સીસીટીવી ફુટેજ આવ્યા સામે

vijay-sivada

વિજય સુવાળાએ કહ્યું કે, તે માણસો મારા ન હતા, મારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે.

ગુજરાતના પ્રખ્યાત લોકગાયક વિજય સુવાળાએ તેના 50 થી વધુ મિત્રો સાથે અમદાવાદના ઓઢવ વિસ્તારને બાનમા લીધો હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે હથિયારો સાથે 40થી વધુ લોકોનું ટોળું એકઠું થતાં લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. દિનેશ ક્યાં છે? આજે તેને જાનથી મારી નાખવાનો છે, તેવું કહીને ત્રાસ મચાવ્યો હતો. દિનેશ દેસાઇ નામના જમીન દલાલની ઓફિસ પર 40થી વધુ લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મળતી માહિતી અનુસાર, ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જિગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40થી વધુ લોકો વિરુદ્ધમાં નામજોગ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિજય સુવાળા સહિત 40થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઈ અને વિજય સુવાળા પહેલાં મિત્રો હતા, પરંતુ વર્ષ 2020થી બન્ને વચ્ચે કોઇ અગમ્ય કારણોસર મનદુઃખ થયું હતું અને ત્યારબાદ બોલાચાલી થઈ હતી. જેના કારણે સંબંધ તેણે તોડી નાખ્યો હતો.

દિનેશ દેસાઇ એસ્ટેટ બ્રોકર છે. તેની ઓફિસ વૈષ્ણવદેવી સર્કલ ખાતે આવેલા રોઝહુડ રિસોર્ટમાં આવેલી છે. દિનેશ સાથે તેનો પિતરાઇ ભાઈ ચેતન ભાગીદાર છે. રાતે 11 વાગ્યાની આસપાસ ચેતનનો ફોન દિનેશને આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારા ઉપર બે શખ્સોના ફોન આવ્યા હતા અને દિનેશ ક્યાં છે? તેને જાનથી મારી નાખવાનો છે, તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.

ત્યારબાદ જય દેસાઇએ દિનેશને ફોન કર્યો હતો કે, ઓઢવ રિંગ રોડથી 20થી વધુ કાર અને 10થી વધુ બાઇક પર બેસીને લોકો આપણા ઘર તરફ આવી રહ્યા છે. જયની વાત સાંભળીને દિનેશ રાતે બાર વાગ્યાની આસપાસ તેના પિતાની ઓફિસે પહોંચ્યો હતો. ત્યાં જયે તેને જણાવ્યું હતું કે, 50થી વધુ લોકો જેના હાથમાં પાઇપ, ધોકા, હોકી સહિતના હથિયારો હતાં. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે, દિનેશ ક્યાં છે? આજે તેને મારી નાખવાનો છે.

ત્યાર બાદ દિનેશે તેના પિતાની ઓફિસના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. ફુટેજમાં તેણે જોયુ કે હુમલો કરવા જે લોકો આવ્યાં હતાં, તેમાં વિજય ઉર્ફે વિજય સુવાળા, યુવરાજ સુવાળા, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, રાન્યુ શેઠ, દિલીપ ઠાકોર, ભાથીભા, જિગર ભરવાડ સહિતના લોકો હતો. જેથી દિનેશ પર હુમલો થાય તે દહેશતથી તેણે ભાગીદાર તેમજ જય સાથે મળીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ઓઢવ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વર્ષ 2020માં વિજય અને દિનેશ વચ્ચે ક્યા કારણોસર બબાલ થઇ હતી, તે મામલે પણ ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ મામલે વિજય સુવાળાની પ્રતિક્રિયા સામે આવી છે. વિજય સુવાળાનું કહેવું છે કે, તે માણસો મારા ન હતા. મારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જોકે, વિજય સુવાળાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ટોળાને હથિયાર સાથે જોઈ શકાય છે.