10થી વધુ લક્ઝરી કાર્સ દોડાવીને નબીરાઓએ ‘અમે કાયર નથી, ફાયર છીએ…’ સોંગ પર રિલ્સ બનાવી હતી.
ગાંધીનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આઇકોનિક ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના રોડ પર 10થી વધુ લકઝુરિયસ કાર દોડાવીને વીડિયો બનાવનાર નબીરાઓને ગાંધીનગર પોલીસે આજે ઝડપી પાડ્યા છે. વાઈરલ વીડિયોમાંથી 7 જેટલા શખ્સની ઓળખ મેળવી હતી અને સાતેયને ફોર્ચ્યુનર, સ્કોર્પિયો, બીએમડબ્લ્યુ જેવી લકઝરી કાર સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય નબીરાઓની શોધખોળ પણ શરૂ કરી છે.
ગાંધીનગરમાં નબીરાઓએ 32 કરોડના ખર્ચે બનાવેલા આઈકોનિક ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના રોડ પર રેસિંગ ટ્રેકની જેમ કાર દોડાવી હતી. રોડ પર કોઈ મંત્રીનો કાફલો નીકળ્યો હોય એ રીતે 10થી વધુ ફોર્ય્યુનર, સ્કોર્પિયો, બીએમડબ્લ્યુ જેવી લક્ઝુરિયસ કાર એક સાથે રસ્તા પર નીકળી હતી અને પૂરપાટ ઝડપે દોડી રહી હતી. આ જોઈને અન્ય વાહન ચાલકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. રિલના એક વીડિયોમાં કારની ઝડપ 190 કિલોમીટર સુધીની દેખાય છે. આ વીડિયો વાઈરલ થતાં જ ગાંધીનગર પોલીસ એક્શનમાં આવી હતી અને ગાડીના નંબરના આધારે નબીરાઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.
પોલીસે ઝડપી પાડેલ નબીરાઓ
- અનિલ વિષ્ણુજી જાદવ (રહે.16, દરવાજોવાળો વાસ, ફિરોઝપુર) – ફોર્ચ્યુનર ગાડી (નં.GJ.18.EC.9270)ના ચાલક
- જશવંત અશોકજી જાદવ (રહે. દરવાજોવાળો વાસ, ફિરોઝપુર) – બ્લેક સ્કોર્પિયો ગાડી (નં.GJ.18.EB.4511)ના ચાલક
- વનરાજસિંહ જુજારજી ગોર (રહે.ફૂલપુરા) – બ્લેક સ્કોર્પિયો ગાડી (નં.GJ.18.EA.0150)ના ચાલક
- સોહેલ સોકતઅલી સૈયદ (રહે દહેગામ) – સફેદ BMW ગાડી (નં.GJ.01.KG.5207)ના ચાલક
- દેવાંશ રણજિતકુમાર ચૌહાણ (રહે.સેકટર. 27, પ્લોટ નં.1194) – બ્લેક કલરની ફોર્ચ્યુનર ગાડી (નં. GJ.18.BC.6447)ના ચાલક
- ચંદન શૈલેન્દ્રભાઇ ઠાકોર (રહે.વાવોલ) – બ્લેક સ્કોર્પિયો ગાડી (નં.GJ.18.EB.7102)ના ચાલક
- સુરેશ વજાજી ઠાકોર (રહે મોટી સિહોલી) – બ્લેક થાર ગાડી (નં.GJ.18.BH..4511)ના ચાલક
ગાંધીનગર ડીવાયએસપી ડી.ટી. ગોહિલે જણાવ્યું હતું કે રીલ્સ વાઈરલ થયા બાદ એસપીની સૂચના મુજબ તપાસ શરૂ કરી હતી. રીલમાં જે કાર દેખાતી હતી તેના નંબરના આધારે વાહનના માલિકોની ઓળખ મેળવી હતી. આ રીલ્સમાં દેખાતા મોટા ભાગના લોકો ફિરોઝપુર ગામના હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક 7 વાહનના માલિકો સાથે 7 કાર ડિટેઈન કરવામાં આવી છે, અને અન્ય લોકોની પણ શોધખોળ ચાલુ છે.
રીલ બનાવવાના ક્રેઝને લઇને ગિફ્ટ સિટીમાં આઈકોનિક ભાઈજીપુરાથી ગિફટ સિટી સુધીના રોડ પર પૂરપાટ ઝડપે કારની રેસ લગાવી હતી. આ પ્રવુતિ લોકોના જીવને જોખમમાં મુકનારી હતી. જેથી આ રીલના આધારે પોલીસે આ લોકોની તપાસ શરૂ કરી હતી અને નવ લોકોની કાર સાથે ધરપકડ કરી હતી.