તું નાનો હોવાથી તને રસ્તામાં કોઈ રોકશે નહીં અને કોઈ કેસ પણ થશે નહીં તેમ કહીને બાળક પાસે ડિલિડવરી કરાવતો હતો
ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો ચુસ્ત અમલ કરવામાં આવતો હોવાનો પોલીસ વિભાગ દાવો કરે છે, પરંતુ દિવસે-દિવસે દારૂની હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. બુટલેગરો દારૂની હેરફેર માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ ઝડપાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બોડકદેવ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે નર્મદા આવાસ પાસે એક બાળક ટૂ-વ્હીલર પર જઈ રહ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને તલાશી લેતા તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી. આ બાબતે પોલીસે પૂછપરછ કરતાં બાળકે અંકિત પરમારનું નામ આપ્યુ હતુ.
બાળકની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેના એક સ્વજન અંકિત પરમાર મળ્યા અને કહ્યું કે હું તને દર મહિને 8000 પગાર આપીશ અને એક દારૂની બોટલની ડિલિવરી કરવા પર 200 રૂપિયા કમિશન પણ આપીશ, તારે ટૂ-વ્હીલર લઈને હું કહું ત્યાં દારૂની ડિલિવરી આપવા જવાનું છે. તું નાનો હોવાથી તને રસ્તામાં કોઈ રોકશે પણ નહીં અને કોઈ કેસ પણ થશે નહીં. આથી બાળક તેની વાતોમાં આવી ગયો હતો અને તેણે દારૂની હેરાફેરી શરૂ કરી દીધી હતી.
બોડકદેવ પોલીસે આ બાળકની અટકાયત કરી તેની પાસે રહેલો દારૂનો જથ્થો તેમજ ટુ-વ્હીલર કબજે કરીને તેને દારૂ આપનાર અંકિત પરમાર નામના શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા બાદ હવે શહેરમાં દારૂનાં નેટવર્ક શોધવામાં મોટા અધિકારી નિષ્ફળ રહ્યા હોય એવું ચર્ચામાં છે.