ગુજરાતમાં એક પણ જગ્યાએ એવી ના હોવી જોઈએ કે જ્યાં તિરંગો ન લેહરાયો હોયઃ અમિત શાહ
આઝાદીના 78 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશમાં 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 13 ઓગસ્ટના રોજ (મંગળવારે) અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ધ્વજ લહેરાવી તિરંગા યાત્રા શરૂ કરાવી હતી.
આજે સાંજે 5.20 વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત રાજકીય નેતાઓએ હાજરી આપી હતી. વિરાટનગર ફુવારા સર્કલથી ચાલુ થયેલી 3 કિમી લાંબી તિરંગા યાત્રા નિકોલ ખોડિયાર મંદિર ખાતે પૂર્ણ થઇ હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિરાટનગરથી ખુલ્લી જીપની જગ્યાએ ચાલતા ચાલતા તિરંગા યાત્રામાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે કિલોમીટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ કિલોમીટર સુધી યાત્રામાં ચાલ્યા હતા. અંદાજે બે કિલોમીટર જેટલું ચાલીને અમિત શાહ ગાડીમાં બેસી રવાના થયા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીઓએ ચાલતા ચાલતા જ આગળ વધ્યા હતા.
આ તિરંગા યાત્રામાં મહિલા પોલીસની પરેડ યોજાઈ હતી. જ્યારે 120થી વધુ પોલીસ જવાનોએ રાષ્ટ્ર ધ્વજ સાથે બાઈક યાત્રા શરૂ કરી હતી. લોકોએ આર્મીના જવાનો અને પોલીસકર્મી તેમજ ફાયર બ્રિગેડના જવાનો પર ફૂલો વરસાવી તેમનું સન્માન કર્યું હતું. યાત્રામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તિરંગા યાત્રાથી સમગ્ર અમદાવાદમાં દેશભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટે 78મા વર્ષમાં પ્રવેશ કરીશું. ગુજરાતમાં એક પણ જગ્યાએ એવી ના હોવી જોઈએ કે જ્યાં તિરંગો ન લેહરાયો હોય. ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ યોજ્યો હતો. આ સંકલ્પને યાદ કરાવવા માટે દર વર્ષે 15 ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ તિરંગા યાત્રા યુવાનોમાં ઉર્જા ભરવાનું કામ કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસર પર જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા યાત્રાને પ્રેરણા આપી છે. તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર આગળ લઈ જવાનું છે. વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે. તિરંગા યાત્રાના આયોજન માટે અભિનંદન પાઠવું છું.