નીરજ આઝાદી બાદ એથ્લેટિક્સમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો
ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં પણ ઈતિહાસ રચ્યો છે. નીરજે 89.45 મીટરના અંતરે જેવલિન થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ સ્પર્ધામાં ત્રીજા ક્રમે રહ્યો, જેણે 88.54 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
નીરજનો આ સિઝનનો આ સર્વશ્રેષ્ઠ થ્રો છે. અગાઉ, નીરજે આ જ પેરિસ ઓલિમ્પિકના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 89.34 મીટર થ્રો કર્યો હતો. નીરજ ચોપરાનો પહેલો થ્રો ફાઉલ રહ્યો છે. સતત બે ઓલિમ્પિકની વ્યક્તિગત ઈવેન્ટ્સમાં ગોલ્ડ અને સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. નીરજે ટોકિયોમાં 87.58 મી. જેવલિન થ્રો કરીને ગોલ્ડ જીત્યો હતો
નીરજ ચોપરા સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. નીરજ પહેલાં રેસલર સુશીલ કુમાર અને બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતી ચૂક્યાં છે.
સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજની પહેલી પ્રતિક્રિયા આવી સામે
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા નીરજ ચોપરાએ કહ્યું કે, મેચ શાનદાર રહી હતી. દરેક ખેલાડીનો પોતાનો એક દિવસ હોય છે, આજે અરશદનો દિવસ હતો. ટોક્યો, બુડાપેસ્ટ, એશિયન ગેમ્સનો દિવસ હતો. મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું હતું, પરંતુ કેટલીક બાબતો એવી છે કે જેના પર ધ્યાન આપવાની અને કામ કરવાની જરૂર છે. આપણું રાષ્ટ્રગીત ભલે આજે વગાડવામાં ન આવ્યું હોય, પરંતુ ભવિષ્યમાં તે ચોક્કસપણે બીજે ક્યાંક વગાડવામાં આવશે.
પાકિસ્તાનના અરશદે 92.97 મીટરનું રેકોર્ડ અંતર થ્રો કરીને ગોલ્ડ જીત્યો છે. આ એક નવો ઓલિમ્પિક રેકોર્ડ છે. અરશદે નોર્વેના એન્ડ્રેસ થોર્કિલડસેનનો રેકોર્ડ તોડ્યો છે. એન્ડ્રિયસે 23 ઑગસ્ટ, 2008ના રોજ બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર જેવલિન થ્રો કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો.