પોતાની ખોવાયેલી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓએ રાજીપો વ્યક્ત કર્યો. અમદાવાદ વિભાગના માર્ગદર્શનમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા ગ્રામ્ય જિલ્લાના પોલીસ સ્ટેશનો અને ડિવિઝન કક્ષાએ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયા.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ અને અરજી અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરી વસ્તુઓ તથા મુદ્દામાલ મુળમાલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી ગ્રામ્ય જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને ડિવિઝન કક્ષાએ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ મહાનિરીક્ષકશ્રી, અમદાવાદ વિભાગના માર્ગદર્શનમાં તથા પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્યની સૂચના અનુસાર ગ્રામ્ય જિલ્લાના વિવિધ 22 પોલીસ સ્ટેશનો અને ડિવિઝન કક્ષાએ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરી કુલ રૂ. 2.85 કરોડથી વધુ કિંમતની ફરિયાદીઓની ગુમાવેલ વસ્તુઓ સમયસર પરત અપાવી હતી.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મહત્તમ મુદ્દામાલ ફરિયાદીઓને પરત મળી રહે તે માટે ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને ડિવિઝન કક્ષાએ અરજદારોને મુદ્દામાલ છોડાવવાની કાર્યવાહીથી માહિતગાર કરી નામદાર કોર્ટ સાથે જરૂરી સંકલન કરી ઝડપી મુદ્દામાલ છોડાવવા અંગેના હુકમો મેળવવા જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી.
તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ થયે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ ડિવિઝન અને પોલીસ સ્ટેશનો ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમોનું આયોજન કરી વાહનો, કિંમતી વસ્તુઓ, મોબાઈલ ફોન, સોના ચાંદીની વસ્તુઓ, રોકડ રકમ, સાયબર ફ્રોડની રકમ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 2.85 કરોડથી વધુ કિંમતની વસ્તુઓ મુળમાલિકોને પરત અપાઈ હતી.
આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટએ જણાવ્યું હતું કે, કોઈપણ વસ્તુ સાથે વ્યક્તિની લાગણી જોડાયેલી હોય છે જ્યારે આ વસ્તુ ખોવાય અથવા ચોરી થયા બાદ પોલીસ તેને પરત અપાવે છે ત્યારે તે વ્યક્તિનો આનંદ બમણો થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજી પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય સાધી એક કોમ્યુનિટી પોલીસિંગની પરિભાષા પૂર્ણ કરી છે.
નાગરિકોને પોતાની વસ્તુઓ પરત મળતા તેઓએ રાજીપો વ્યકત કરી પોલીસની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.
તમામ પોલીસ સ્ટેશનોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ અધિકારીશ્રીઓએ નાગરિકો સાથે સંવાદ સાધી તેમની રજૂઆતો સાંભળી હતી અને હકારત્મક નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી હતી.