અમદાવાદની હયાત હોટલના સાંભારમાંથી વંદો નીકળ્યો, AMCએ હોટલના રસોડાને સીલ કર્યુ

hayat-hotel-food

વસ્ત્રાપુરની 5 સ્ટાર હોટલનાં જમવામાંથી વંદો નીકળ્યો, ફરિયાદ કરતા શેફે કહ્યું- આવું તો થતું રહે છે

અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ ફાઇવ સ્ટાર હોટલ હયાતનાં સાંભારમાંથી વંદો નીકળ્યો હતો.

શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત અને જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ વધી રહી છે. હજુ એક દિવસ પહેલા જ અમદાવાદની પુરોહીત હોટલમાંથી મંગાવેલા ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવી હતી. અને આજે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. જે મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગને આ મામલે ફરિયાદ કરતા ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હોટલના રસોડાને સીલ મારી દેવામાં આવ્યું છે. હયાત હોટલના સાંભારમાંથી વંદો નીકળ્યો હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો.

જે બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ડો. ભાવિન જોષીએ જણાવ્યું હતું કે, વસ્ત્રાપુરની હયાત હોટલના જમણવારના સાંભારમાંથી વંદો નીકળ્યો હોવા અંગેની ફરિયાદ અમને મળી હતી. જેથી ટીમ દ્વારા ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે હોટલના રસોડાને સીલ મારવામાં આવ્યું છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વસ્ત્રાપુમાં આવેલી હયાત હોટલમાં એક કંપનીનો જમણવાર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગ દરમ્યાન કંપનીના એક કર્મચારી દ્વારા જ્યારે ઈડલી સાંભાર ઘર લઈ અને ખાઈ રહ્યા હતા. ત્યારે સાંભારમાંથી મરેલો વંદો નીકળ્યો હતો. જેથી આ મામલે તેમણે વીડિયો ઉતાર્યો હતો અને હોટલમાં હાજર સ્ટાફ તેમજ મેનેજરને બોલાવી આ બાબત જણાવી હતી.

જવાબમાં હોટલના હાજર શેફ કહ્યું કે આવું તો થતું રહે છે. ત્યાર બાદ હોટલના મેનેજરને સાંભારમાંથી વંદો નીકળ્યો હોવાનું બતાવ્યું હતું. પરંતુ તેઓએ પણ કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી અને ઘટનાનો વીડિયો પણ આપવામાં આવ્યો હતો. જે બાદ તાત્કાલિક ધોરણે ફૂડ વિભાગની ટીમ દ્વારા હોટલના રસોડામાં ચેકિંગ કરી તેને સીલ કરવામાં આવ્યું હતું.