સુરતમાં ઉદ્ઘાટન પહેલા જ મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા, બ્રિજની કામગીરીમાં બેદરકારી આવી સામે

surat-metrobridge

સારોલી રોડ પર બ્રિજનો સ્પાન નમી જવાથી સારોલીથી કડોદરાનો રસ્તો બંધ

સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે મેટ્રોની કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે. તેવામાં આજે સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે. જેના કારણે સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે. રસ્તો બંધ કરી દેવાતા બે થી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો હતો. જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે.

મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો હતો, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાયનો ડર પેસી ગયો હતો. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે, ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો. મેટ્રોની બ્રિજની વચ્ચેનો ભાગ એકાએક જ તૂટી જતા બ્રિજની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આસપાસ રહેલા તમામ ગોડાઉન બંધ કરાવી દેવામાં આવ્યા છે અને લોકોની અવર-જવાર પર પણ પોલીસ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ અંગે ફાયર ઓફિસર ભુપેન્દ્રસિંહ રાજે જણાવ્યું કે, અમારા ડિવિઝનલ ઓફિસર મોઢ સર પર કોલ આવ્યો હતો કે,ભરત કેન્સરની સામે ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટનો સ્પાન તૂટી ગયો છે. જેથી ફાયર ફાઇટર સહિતના સ્ટાફને ત્યાં મોકલી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રોજેક્ટ મેનેજર સાથે વાત કરતા તેઓએ અમને જણાવ્યું હતું કે એ પડવાનો નથી અને રાત્રે આ સ્પાન ઉતારી લેવામાં આવશે. આ રોડ બંધ કરવામાં આવશે.

સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણ થી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2021થી મેટ્રોની કામીગીરી શરૂ કરવામાં આવી હતી.

વર્ષ 2022માં સુરત મેટ્રો લાઇન-2 કોરિડોરનું નિર્માણકાર્ય માટે સીએસ-6 પેકેજ હેઠળ મજૂરાથી સરોલી વચ્ચે 8.02 કિમીમાં નિર્મિત થનારા એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે દિલીપ બિલ્ડકોન લિમિટેડને નિર્માણ માટે 702 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર (એલઓ) જારી કર્યો હતો.

મેટ્રો પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રશાંત કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ઘટના કઈ રીતે બની છે તે અંગે તપાસ કરી રહ્યા છીએ. હાલ ટીમ કામમાં લાગી છે. પ્રાથમિક તપાસ બાદ જ કારણ અંગે જાણી શકાશે. હાલ વધારે ભયજનક કહી શકાય નહીં. તકેદારીના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલ જે બ્રિજની ઉપર લોડ છે તે ડાઉન કરી રહ્યા છીએ.