વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી 93 લોકોના મોત, કેરલમાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત

wainad

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસના નેત રાહુલ ગાંધી વાયનાડ જાય તેવી શક્યતાઓ

કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે થયેલ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 93 લોકોના મોત થયા છે. સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનનાં લીધે મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપ્પુઝામાં મકાનો, પુલ, રસ્તાઓ અને વાહનો પણ ધોવાઈ ગયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. વાયનાડમાં છેલ્લા 24 કલાકમાં 372 મીમી વરસાદ નોંધાયો છે.

કેરળ સરકારે આ દુર્ઘટના બાદ રાજ્યમાં બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. આજે અને કાલે શોક રહેશે. રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે. રાજ્ય સરકારના સત્તાવાર કાર્યક્રમો અને કામો આજે અને આવતીકાલે મોકૂફ રાખવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે આજે રાજ્યસભામાં કહ્યું કે કેન્દ્ર સરકાર આ આફતથી પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું કે SDRF અને NDRFની બે ટીમો, સેનાની બે ટુકડીઓ અને વાયુસેનાના બે હેલિકોપ્ટર બચાવ અને સર્ચ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવ્યા છે.

સૈન્યના જવાનોની એક ટીમ ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડથી કન્નુરથી શોધ અને બચાવ કામગીરી માટે રવાના થઈ ગઈ છે. બચાવ કામગીરી માટે આર્મીના સ્પેશિયલ ડોગ યુનિટના પ્રશિક્ષિત શ્વાન, જેમાં બેલ્જિયન માલિનોઈસ, લેબ્રાડોર અને જર્મન શેફર્ડ જેવી જાતિઓનો સમાવેશ થાય છે, તેમને વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત મેપ્પાડી ખાતે લઈ જવામાં આવ્યા છે.

બચાવ અને રાહત કામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો પણ જોડાયા છે. અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાયનાડમાં ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી માટે નૌકાદળની એક ટીમ એઝિમાલાથી રવાના થઇ હતી. 250 લોકોને બચાવીને કામચલાઉ આશ્રય શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. અમે ફસાયેલા લોકોને હવાઈ માર્ગે બહાર કાઢી રહ્યા છીએ. બચાવ કાર્ય માટે સરકાર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કેરળ સરકારને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

મુખ્યમંત્રી આ અભિયાન પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ માંગવામાં આવી છે. કેરળના મંત્રી એમ.બી. રાજેશે કહ્યું હતું કે અમે સેના પાસેથી મદદ માંગી છે જે જલ્દીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જશે. ભૂસ્ખલનને કારણે વાયનાડનું મુંડક્કાઈ ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે. ચુરલમાલા ગામમાં પણ નુકસાન વધુ છે.

વાયનાડ ભૂસ્ખલન બાદ આરોગ્ય વિભાગે કંટ્રોલરૂમ બનાવ્યો છે. કટોકટીની આરોગ્ય સેવાઓ માટે બે હેલ્પલાઇન નંબર 8086010833 અને 9656938689 પણ જાહેર કર્યા. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે વૈથીરી, કાલાપટ્ટા, મેપ્પડી અને માનંતવડી હોસ્પિટલો એલર્ટ પર છે.

વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું, “આજે વહેલી સવારે વાયનાડમાં ભૂસ્ખલન થયુ છે. મુંડકાઈ ગામનો સંપર્ક તૂટી ગયો છે અને આ ત્રાસદીના કારણે જાનહાનિ અને વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કરવાનું બાકી છે. મેં રક્ષામંત્રી અને કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે બચાવ અને તબીબી સંભાળ માટે તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે, મૃતકોને તાત્કાલિક વળતર આપવામાં આવે. જો શક્ય હોય તો વળતર વધારવું જોઈએ. મહત્વપૂર્ણ પરિવહન અને સંદેશાવ્યવહાર લાઇનને પુનઃસ્થાપિત કરવી જોઈએ, શક્ય તેટલી વહેલી તકે રાહતની વ્યવસ્થા કરવી જોઈએ અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે રોડમેપ તૈયાર કરવો જોઈએ.”

વાયનાડ ઉપરાંત હવામાન વિભાગે આજે કોઝિકોડ, મલપ્પુરમ અને કાસરગોડમાં પણ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આજે પણ અહીં ભારે વરસાદની સંભાવના છે. વાયનાડ દુર્ઘટનાના બચાવકાર્યમાં મુશ્કેલી આવી શકે છે.