ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૯ ટકાથી વધુ; કચ્છ ઝોનમાં 76 ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ખેડા, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જે મુજબ મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ સાથે જ નડિયાદમાં 6 ઈંચ વરસાદ વરસ્યો અને ખેડાના અન્ય તાલુકામાં સરેરાશ 3 થી 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા, ભરૂચના હાંસોટ, મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે.
ખેડા જિલ્લામાં સોમવારના સાંજના 6 વાગ્યા સુધીના 36 કલાક દરમિયાન સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેમાં નડિયાદ શહેરમાં સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહુધા અને વસો તાલુકામાં 4 ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત કઠલાલ, મહેમદાવાદ, ખેડા, માતર, ગળતેશ્વરમાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ઠાસરામાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. સાડા છ ઈંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
આ ઉપરાંત સાબરકાંઠાના તલોદ અને હિંમતનગર, ગાંધીનગરના માણસા, અરવલ્લીના મોડાસા અને મેઘરજ, વલસાડના કપરાડા તેમજ વડોદરા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, રાજ્યના કુલ 6 તાલુકામાં 3 ઈંચ અને ૨૫ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે 78 જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ, જ્યારે સમગ્ર રાજ્યના કુલ 213 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 30મી જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 59 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 76 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 74 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69 ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 41 ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 38 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.