બજેટ બાદ સોનું 4,000 રૂપિયા સસ્તુ થયુ, ચાંદીમાં પણ 4,200 રૂપિયાનો ઘટાડો થયો

budget-gold-silver

બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી હોવાના કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું. બજેટમાં સામાન્ય માણસ માટે ઘણી રાહતની જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં સરકારે સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. આનાથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થશે એટલે કે સોના-ચાંદીની ખરીદી સસ્તી થશે.

સરકારે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. હાલમાં તે 15 ટકા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બેઝીક કસ્ટમ ડ્યુટી 10 ટકા ઘટાડીને 5 ટકા કરાતા ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં આશરે 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોનામાં પ્રતિ 10 ગ્રામે 4,000 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કીલો 4,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

MCX ખાતે ગોલ્ડ ફ્યુચર્સમાં કામકાજમાં ભારે ઘટાડો થયો છે. એકંદરે ડ્યુટીમાં 6 ટકાનો ઘટાડો છે, જેમાં બેઝીક કસ્ટમ ડ્યુટી 5 ટકા, એગ્રી ઈન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેસ 1 ટકા છે. આ રીતે કસ્ટમ ડ્યુટી હવે 6 ટકા થઈ જશે. સોનું અને ચાંદી હવે સસ્તું થશે એટલે તેને ખરીદનારા લોકોની સંખ્યા વધી શકે છે.

બજારને અગાઉથી 2-5 ટકા ઘટાડાની શક્યતા હતા અને તેને લીધે છેલ્લા એક સપ્તાહથી ભારતીય બજારોમાં સોનાના ભાવ ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. વર્ષ 2021 બાદથી બેઝીક કસ્ટમ ડ્યુટીમાં આ બીજી વખતનો ઘટાડો છે. જે 10 વર્ષમાં 8 વખત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હતો. સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી હતી.

નાણામંત્રીએ પ્લેટિનમ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6.4 ટકા કરવાની જાહેરાત કરી છે. વિશ્લેષકોના મતે આ પગલાથી સ્થાનિક ભાવમાં ઘટાડો થવાની અને દેશમાં કિંમતી ધાતુઓની માંગ વધવાની શક્યતા છે. સરકાર દ્વારા ભરવામાં આવેલ પગલાંથી જ્વેલરી ઉદ્યોગ પર ખૂબ જ સારી અસર થશે અને રિટેલ ખરીદીમાં પણ વેગ મળશે, માંગ પણ વધશે.