દ્વારકામાં છેલ્લા 24 ક્લામાં 18 ઈંચ વરસાદથી દ્વારકા નગરી જળબંબાકાર
છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે. આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં દ્વારકામાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. દ્વારકામાં છેલ્લા 24 ક્લામાં 18 ઈંચ વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદને કારણે સમગ્ર દ્વારકા જાણે પાણીમાં ડૂબી ગયું હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. લોકોનાં ઘરોમાં ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયા છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને NDRFની ટીમો દોડતી થઈ છે.
દ્વારકામાં અતિભારે વરસાદને પગલે છેલ્લા 24 ક્લામાં 18 ઈંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. બીજી તરફ, દ્વારકામાં સિઝનનો કુલ 36 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદને પગલે શિક્ષણતંત્ર દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. ધોધમાર વરસાદની પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા અવિરત રીતે દોડધામ જારી રાખવામાં આવી હતી.
દ્વારકા તાલુકાને બાદ કરતાં જિલ્લાના અન્ય ત્રણ તાલુકા ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં મહદંશે મેઘ વિરામ રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયાં હળવાં ઝાપટાં વરસ્યાં હતાં.
દ્વારકાનાં ઇસ્કોન ગેટ પાસે બેથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે, જ્યારે ગુરુદ્વારા વિસ્તારમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણીમાં ગાડી બંધ પડી જતાં લોકોને ગોઠણડૂબ પાણીમાં કારને ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી હતી. જ્યારે અમુક રાહદારીઓએ JCBનો સહારો લઈ વરસાદી પાણીમાંથી રસ્તો પસાર કર્યો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં માથા સમા પાણી ભરાતા લોકોને શેલ્ટર હોમ ખાતે મોકલવામાં આવ્યાં છે.