અતિભારે વરસાદથી અનેક ગામો બન્યા સંપર્કવિહોણાં, નદીઓમાં ઘોડાપૂર કોલીખડા ગામમાં 200 વ્યક્તિઓનું સ્થળાંતર, NDRFની ટીમ તૈનાત
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દિવસ દરમિયાન 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી જૂનાગઢ અને પોરબંદરમાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ખાસ કરીને કેશોદ અને પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને પૂરનાં પાણી અનેક ગામોની ફરતે ફરી વળતાં ગામો સંપર્કવિહોણાં બન્યાં છે.
જૂનાગઢ જિલ્લામાં ગુરુવારે બપોરથી શરૂ થયેલો વરસાદ આજે શુક્રવારે 24 કલાક બાદ પણ ચાલુ છે. જેના લીધે જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે. કેશોદ અને વંથલી તાલુકામાં બે દિવસ દરમિયાન 14 ઈંચથી વધુ વરસાદ વરસતા અનેક ગામો સંપર્કવિહોણાં બન્યાં છે. આ વિસ્તારના લોકો હવે વરસાદ બંધ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે. અતિભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા કલેકટરે વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે જિલ્લાના 75 રસ્તા પર પાણી ફરી વળતાં 65 ગામ સંપર્કવિહોણાં બન્યાં છે. સલામતીના ભાગરૂપે એસટી વિભાગના 14 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે હેઠવાસમાં આવતાં 53 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લામાં કેશોદમાં NDRF અને શહેરમાં SDRFની ટીમ તહેનાત રાખવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ 18 ઈંચ વરસાદ સાથે કલ્યાણપુર તાલુકો કફોડી હાલતમાં મુકાઈ ગયો છે. આ ઉપરાંત દ્વારકામાં આજે સાંજે બે કલાકમાં સાંબેલાધારે 10 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ભારે હાલાકીભર્યા દ્દશ્યો જોવા મળ્યા હતા. કેશોદના બામણાસા ઘેડ પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો હતો. જેથી ખેતરોમાં પાણી ઘૂસી ગયાં છે. તેમજ ત્યા હાજર લોકો જીવ બચાવીને ભાગ્યા હતા. બીજી બાજુ જામજોધપુરના ફુલઝર ડેમ પર વીજળી ત્રાટકી હતી. ગીર સોમનાથમાં અનરાધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થયો છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. 24 કલાકમાં 20 ઈંચની આસપાસ વરસાદ વરસતાં સાંજ સુધી ભુક્કા બોલાવતો રહ્યો. વરસાદી પાણીમાં માત્ર વાહનો નહીં, પશુઓ પણ તણાયાં. તો ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કોલીખડા ગામમાં 200 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલા 11 વ્યક્તિઓને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા