ગુજરાતનાં સુરતમાંથી 51 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, ત્રણ લોકોની ધરપકડ

Mefedron-Drugs

ગુજરાત ATSએ સુરતના પલસાણા તાલુકા ના કારેલી ગામ મા આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડમાં રેડ કરીને 51 કરોડ રૂપિયા નો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. ATSએ ફેકટરીમાંથી 31 કિલો લિક્વિડ એમ.ડી ડ્રગ્સ અને 4 કિલો તૈયાર એમ.ડી કબજે કર્યું છે. સાથે જ 3 આરોપીઓની પણ ધરપકડ કરી છે.

ગુજરાત ATSએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક શેડમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન શેડમાંથી એમ.ડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ફેક્ટરીમાંથી 4 કિલો તૈયાર મેફેડ્રોન અને 31 કિલો લિક્વિડ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે. ATSએ જપ્ત કરાયેલ જથ્થાની કુલ કિંમત 51 કરોડથી પણ વધુ થાય છે. ATSએ સુનીલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ જૂનાગઢ, સુરત અને વાપીના રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 1 મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું.

છેલ્લા એક મહિનાથી 20 હજાર રૂપિયાનો ભાડે શેડ રાખીને આરોપીઓ મેફેડ્રોન ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા હતા. આરોપીઓમાંથી સુનીલ યાદવ ડ્રગ્સ બનાવવા માટે રો-મટીરિયલ લાવતો હતો. વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો, જે રો-મટીરિયલમાંથી મેફેડ્રોન બનાવતો હતો. હરેશ કોરાટ બંને આરોપી સોંપે એ છૂટક કામ કરતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ છેલ્લા એક મહિનામાં 4 કિલો મેફેડ્રોન ડ્રગ્સ બનાવીને મુંબઈના સલીમ સૈયદને આપ્યો હતો. જેની કિંમત 20 કરોડથી પણ વધુ થાય છે. જેથી હવે મુંબઈનાં સલીમ સૈયદને પકડવા ATSની ટીમ રવાના થઈ છે. આરોપીઓએ જેનો શેડ ભાડે રાખ્યો હતો તે માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે. ફેકટરી અંગે તપાસ કરતા 20હજાર રૂપિયાના ભાડા પર કેમિકલ નું કામકાજ કરવા માટે ભાડે જગ્યા લીધી હતી..જોકે કેમિકલ બનાવવાની આડમાં ડ્રગ્સની ફેકટરી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.

આરોપીઓએ કોના માધ્યમથી આ ડ્રગ્સ વેચવામાં આવ્યું છે, ડ્રગ્સ બનાવવા માટે રો-મટીરીયલ ક્યાંથી માંગવ્યું છે, અન્ય કોઈ આ ડ્રગ્સ કેસમા સંડોવાયેલ છે ? તે તમામ જાણકારી મેળવવા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.