ચાંદીપુરા વાઇરસથી ફફડાટ: ગુજરાતમાં 18 કલાકમાં 4 બાળકના મોત, મૃત્યુઆંક 12 થયો, ગાંધીનગરમાં વધુ એક બાળકીનું મોત, રાજ્યમાં 15થી વધુ શંકાસ્પદ કેસ

chandipura-virus

અમદાવાદના ચાંદલોડિયા અને આંબાવાડીમાં બે બાળકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા હોસ્પિટલમાં ખસેડાયા
ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે: આરોગ્ય મંત્રી

ગુજરાતમાં છેલ્લા 3 સપ્તાહથી ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવ્યો છે. તારીખ 16 જુલાઈ, 2024 સુધીમાં ચાંદીપુરા વાઇરસથી 8 બાળકોનાં અને આજે 17 જુલાઈએ ગોધરાના 1, ગાંધીનગરના 2 અને મહેસાણાનાં 1 બાળકનું મોત થતાં રાજ્યમાં મૃત્યુઆંક 12 થયો છે. આ સિવાય 15 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે. રાજસ્થાનના બે કેસ છે અને એમાથી 1 બાળકનું મોત થયું છે. આમ 17 જુલાઈના રાતના 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં એટલે કે 6 કલાકમાં રાજ્યમાં 4 બાળકના મોત થઈ ગયા છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાઇરસે હવે અમદાવાદ અને ગાંધીનગરમાં માથું ઉચક્યું છે. જેમાં શહેરના ચાંદલોડિયા અને આંબાવાડીમાં બે બાળકોમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે ગાંધીનગરના ભાટ ટોલ ટેક્સ પાસેના છાપરા વાસમાં 15 મહિનાની બાળકી શંકાસ્પદ વાઇરસની ઝપેટમાં આવી હતી, જેનું સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે તેમજ બાળકીનાં સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યાં છે.

આજે શહેરના ચાંદલોડિયા અને આંબાવાડીના બે બાળકોમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા બન્ને સિવિલમાં સારવાર લઈ રહ્યાં છે. આ સિવાય સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાંથી એક, ગાંધીનગરના દહેગામમાંથી એક, અરવલ્લીના ધનસુરામાંથી એક તેમજ મહેસાણા જિલ્લાના ખેરાલુના એક બાળદર્દીને ચાંદીપુરા વાઇરસની શંકાના આધારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. હાલ આ તમામ દર્દીઓના સેમ્પલ તપાસ અર્થે પૂના મોકલી દેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટઆવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે.

ચાંદીપુરા વાઇરસને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઇ નવો રોગ નથી . સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર -અસરગ્રસ્‍ત સેન્‍ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહીનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે.

હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગ ના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.

​​​આજે ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા SSG હોસ્પિટલમાં દમ તોડ્યો છે. હાલમાં ચાર દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી બે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે, જ્યારે 2 બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ કેસોમાં ઝાડા, ઊલટી, ખેંચ અને તાવ આવવો, બેભાન અવસ્થામાં આવેલા દર્દીઓનાં સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. આ કેસોમાં ચાંદીપુરા વાઇરસ છે કે કેમ એ સેમ્પલ રિપોર્ટ બાદ ખબર પડશે.