આયેશા પર એક્સિડેંટની ફરિયાદ દાખલ થયા બાદ આયેશા એ પોલીસ પર ફરિયાદ ના લેવા અને કલાકો સુધી બેસાડી રાખવાના આરોપો લગાવ્યા હતા
પોલીસે ખુલાસો કર્યો કે વીડિયો બનાવી પોલીસ પર ફરિયાદ ન લેવા અને પક્ષપાતભર્યુ વર્તન કરવાના તમામ આક્ષેપ પાયાવિહોણા છે
અમદાવાદ શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં યુવતીને ફરિયાદ નહિ લેવાનો કડવો અનુભવ થયો હોવાનો વિડીયો સોશીયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. યુવતીએ વિડીયો બનાવીને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશ્નરને મદદ કરવા અપીલ કરી હતી. જો કે આ અંગે પોલીસે ખુલાસો કર્યો હતો કે આ તમામ આક્ષેપ પાયાવિહોણા છે. અમદાવાદ પોલીસે X પર ટ્વિટ કરીને આ મામલે ખુલાસો કર્યો છે. ત્યારબાદ ફરીથી આ મુદ્દો ચર્ચાનું કારણ બન્યો છે.
ઘટનાની વિગત મુજબ એસ.જી. હાઇવે પર એક યુવતી અને વકીલની કારનો અકસ્માત થયો હતો. ત્યારબાદ યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાની સાથે બે દિવસ પહેલા ઘટના બની હતી તે વિષે જણાવે છે કે ” 14 જુલાઈના દિવસે એસ.જી. હાઈવે પર એક વ્યક્તિએ મારી ગાડીને અથડાવી મને ગાળો આપી લાફો માર્યો હતો. ત્યારે મે મારા ભાઈ ફૈસલ અને 100 નંબર પર ફોન કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ પછી પોલીસ સ્ટેશનમાં જઈને મે ફરિયાદ નોંધાવવાનું કહેતા મને 4 કલાક સુધી બેસાડી રાખીને મારી ફરિયાદ લેવામાં આવી ન હતી.”
અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને કરી સ્પષ્ટતા
આયેશા ગલેરિયા દ્વારા વીડિયો બનાવી પોલીસ પર ફરિયાદ ન લેવા અને પક્ષપાતભર્યુ વર્તન કરવાના આક્ષેપ બાદ હવે અમદાવાદ પોલીસે X પર ટ્વિટ કરીને આ મામલે સ્પષ્ટતા કરી છે. એમ ઝોનના એસીપીના જણાવ્યા અનુસાર, ‘આયેશાએ પોતાની કાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવીને વકીલ સિધ્ધરાજસિંહ મકવાણાની કાર સાથે અથડાતા વકીલે એસ.જી. હાઈવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ફરિયાદ દાખલ કરાવી હતી.’
આ ઘટનામાં યુવતીએ અકસ્માત કર્યા બાદ તેના ભાઈને બોલાવીને ગાળાગાળી બોલી ઝઘડો કરીને સિધ્ધરાજસિંહને લાફો માર્યો હતો. જેથી પોલીસે બંને પક્ષને પોલીસ સ્ટેશને લઈ જઈને બંનેની રજુઆત લખી હતી. જેમા એક ફરિયાદીએ સહી કરી છે જયારે આયેસા સહી કર્યા વિના નીકળી ગયા હતા. આયેશાના વકીલે ફરિયાદમાં સહી કરવાનું કહેતા આયેશા પોલીસ સ્ટેશનથી જતી રહી હતી. આ બાદ ગઈ કાલે (16 જુલાઈ) પોલીસે આયેશાનો સંપર્ક કરતાં તેણે યોગ્ય પ્રતિભાવ આપ્યો ન હતો.’ આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે અને યુવતી આવશે તો ફરિયાદ લેવા માટે પણ તૈયાર છીએ. પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચના મહિલા ACPને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યાં છે.
આ ઘટના બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, અગાઉ પણ આયેશા ગલેરિયા અને તેના ભાઈ ફૈસલ વિરુદ્ધ એક મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આયેશાએ પોતાના ગાડી બેફામ રીતે પૂરઝડપે ચલાવી, ગાળાગાળા કરીને ઘમકી અને માર મારવા અંગેની ફરિયાદ એક મહિલા દ્વારા નોંધાવામાં આવી હતી. જેમાં આયેશા અને તેના ભાઈની પોલીસ દ્વારા અટકાયત કરીને ગુના અંગે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.