સ્વામિ.ના પીપી, દેવ પ્રકાશ સહિત 50થી વધુ લંપટ સંતોનું લિસ્ટ તૈયાર, નામ સાથેનાં પોસ્ટરો જાહેર કર્યાં
સ્વામિ. સંપ્રદાયના સાધુઓ સામે દુષ્ક્રમ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને સાધુ સંતોને લાંછન લગાવતાં કૃત્યો સામે આવતા હરિભક્તોમાં આક્રોશ વધ્યો
છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયનાં કુકૃત્ય કરતા સાધુઓને અત્યાર સુધી હરિભક્તો છાવરતા હતા, પરંતુ હવે હરિભક્તોનો રોષ પણ ચરમસીમા પર પહોંચ્યો છે. સમાજનાં લોકો આવા લંપટ સાધુઓની માયાજાળમાં ન ફસાય તે માટે હરિભક્તો દ્વારા એક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતથી 300થી વધુ હરિભક્તો અલગ અલગ ગામડાઓ, શહેરો અને તાલુકાઓમાં જઈ આવા લંપટ કામલીલા આચરતા સાધુઓથી સાવચેત રહેવા માહિતી આપશે. મહત્વનું છે કે, લંપટ સાધુઓ સમાજ માટે ખતરારૂપ હોવાનો હરિભક્તો આરોપી લગાવી રહ્યા છે.
સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે હરિભક્તોએ આવા લંપટ સાધુ સામે “સજાગતા અભિયાન” અંતર્ગત વિરોધ પ્રદર્શન કર્યું હતું. હરિભક્તોએ નામ સાથેનાં પોસ્ટરો જાહેર કર્યાં છે. પોસ્ટરોમાં લખ્યું છે કે, “ગુરુકુળ હટાવો”, “બાળકોનું યૌનશોષણ અટકાવો” સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને લંપટ સ્વામીઓનાં નામ સાથે વિરોધ કર્યો છે. “વડતાલ સ્વામિનારાયણના લંપટ સાધુઓને હટાવો અને ધર્મને બચાવો”નાં પોસ્ટરો દ્વારા લોકોને સાવચેત રહેવા લોકોને અનુરોધ કર્યો હતો.
સંસાર છોડી સંન્યાસના માર્ગે વળેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાંક લંપટ સાધુ સંતોની કામલીલા સામે હરિભક્તોમાં ઉગ્ર રોષ સામે આવ્યો છે. ઘનશ્યામ પરમાર નામના હરિભક્તે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી આ લંપટ સાધુઓ વિરુદ્ધ હરિભક્તો રોષ નોંધાવી રહ્યા છે અને તેઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માગ કરી રહ્યા છે. પરંતુ હોદ્દા પર બેસેલા અને સત્સંગી સભાના મુખ્ય સ્વામીઓ આ મામલે કોઈ નિર્ણય કરતા નથી અને જે હરિભક્તોએ આવા લંપટ અને કહેવાતા કલંકિત સાધુઓ વિરુદ્ધ વિરોધ કર્યો હતો તેઓ પર ખોટી ફરિયાદ કરવામાં આવી રહી છે. જેથી હવે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને બચાવવા હરિભક્તો મેદાને ઊતર્યા છે.
સુરતથી 300થી વધુ કાર અલગ અલગ શહેરો, ગામડાઓ અને તાલુકાઓમાં જશે અને આવા લંપટ સાધુઓ વિરુદ્ધ કેવી રીતે સજાગ થવું અને કઈ રીતે તેમને પોતાની અશ્લીલતાનું ભાન કરાવવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. હરિભક્તોએ 50થી વધુ આવા લંપટ સાધુઓનું લિસ્ટ તૈયાર કર્યું છે કે જેઓ પોતાની હવસ સંતોષવા સાધુઓનો વેષ લઇ કુકૃત્ય કરે છે. જે લિસ્ટ હરિભક્તોએ તૈયાર કર્યું છે તેમાં નવતમ સ્વામી, હરિજીવન સ્વામી, દેવ પ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, પીપી સ્વામી જૂનાગઢ, ભગવત પ્રસાદ સ્વામી, વિશ્વજીવન સ્વામી, માધવ પ્રસાદ સ્વામી અંકલેશ્વર, જે.કે. સ્વામી, ઘનશ્યામ કંડારી સહિત 50થી વધુ સાધુઓના લિસ્ટ સાથે હરિભક્તો વિરોધ નોંધાવવાના છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે દુષ્ક્રમ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને સાધુ સંતોને લાંછન લગાવતાં કૃત્યો સામે આવતા હરિભક્તોમાં આક્રોશ વધી રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના સાધુ-સંતો દ્વારા ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના માઇન્ડ વોશ કરવાની ઘટનાઓ પણ સામે આવી છે અને યુવતીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ બાદ ગર્ભપાત સુધીની ઘટનાઓ બનતા હરિભક્તોનો રોષ ચરમસીમા પર પહોંચી ગયો છે.