હૈયાફાટ રુદન સાથે પરિવારને આપી અંતિમ વિદાય
આર્થિક સંકડામણમાં પતિ-પત્નીએ બાળકો સાથે ઝેર ગટગટાવ્યું હોવાની ચર્ચા
દ્વારકાના ભાણવડ નજીક ગઈકાલે સાંજે આહીર પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ ઘટના બાદ આખા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ત રાત્રે મૃતદેહોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ આજે ચારેય મૃતકોના પોસ્ટ મોર્ટમ કરાયા હતા. આજે આ આહીર પરિવારના ચારેય સભ્યોની એકસાથે અર્થી ઉઠતાં ભારે હૃદય દ્રાવક દ્રશ્યો સાથે અશ્રુઓનો દરિયો છલકાયો હતો. અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી, માહોલ એટલો ગમગીન હતો કે ગમે તેવા કઠણ કાળજાના માનવીને પણ રડાવી દે તેવા કરૂણ દ્વશ્યો સર્જાયા હતા.
જામનગર ના માધવબાગ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ભાણવડ નજીક બુધવારે આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ ચારેય મૃતકોને તેમના નિવાસ્થાન જામનગરના સાંઢીયા પૂલ નજીક માધવબાગ વિસ્તારમાં આવેલા તેમના રહેઠાણે લઈ જવામાં આવ્યા હતા. આજે માધવબાગથી અંતિમ યાત્રાને કાઢવામાં આવી હતી અને જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં લઇ જવામાં આવી હતી. જ્યાં પરિવારના તમામ સભ્યોની અંતિમ વિધિ કરવામાં આવી હતી. એકસાથે 4 અર્થી ઊઠતાં સમગ્ર વિસ્તાર હીબકે ચડ્યો હતો. એક આખા પરિવારનો માળો વિખેરાઈ જતાં તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ-1માં રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ.42), તેમની પત્ની લીલુબેન (ઉ.વ. 42), પુત્ર જિજ્ઞોશ (ઉ.વ. 20) અને પુત્રી કિંજલ (ઉ.વ. 18) સાથે બે ટુ વ્હીલર પર સંભવતઃ જામનગરથી નીકળી લાલપુર થઈ ભાણવડ નજીક આવેલા ધારાગઢ ગામે પહોંચ્યા હતા. જયાં રોડથી અંદરની સાઈડ 500 મીટરના અંતરે રેલવે ફાટક નજીક કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં ચારેયના સ્થળ પર મોત નિપજયા હતા. ત્યાંથી પસાર થતાં રાહદારીએ તેમને બેભાન હાલતમાં જોતાં ભાણવડ પોલીસને જાણ કરી હતી.
ઘટના સ્થળ નજીકથી કપાસમાં છાંટવાની ઝેરી દવા મળી આવી હતી. જેના આધારે તે દવા પીને આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. પોલીસને ઘટના સ્થળેથી પરિવારનાં મોબાઈલ, મોટરસાઇકલ અને સુસાઈડ નોટ મળી આવી છે. જે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ચોકકસ કારણ જાણવા માટે પોલીસે મોબાઈલના આધારે તપાસ શરૂ કરી છે. મૃતકોના પરિવારજનોની પણ પોલીસ પુછપરછ કરશે. તેમજ આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.
બ્રાસ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા આહીર પરિવારના મોભી પર ખૂબ જ દેવું થઈ જતાં અને આ દેવા સામે ખૂબ જ આર્થિક સંકડામણ અનુભવતાં અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટના સ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે. જોકે, સુસાઇડ નોટમાં કારણ અંગે કરાયેલ ઉલ્લેખ અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી.
લાલપુર તાલુકાના મોડપર ગામના આહીર પરિવારના અશોકભાઈ જેઠાભાઈ ધુંવા વર્ષો પૂર્વે પોતાના પરિવાર સાથે જામનગરમાં ધંધાર્થે સ્થાયી થયા હતા. બ્રાસના ભંગારનો વ્યવસાય કરતા અશોકભાઈ ચામુડા કાસ્ટ નામની પોતાની પેઢી પણ ઊભી કરી હતી. જોકે, ધંધામાં છેલ્લાં વર્ષોમાં સતત ખોટ જતા તેઓ પર દેવું થઈ ગયું હતું અને ખૂબ જ આર્થિક સંકળામણમાં મુકાયા હતા. પોતાની આર્થિક સંક્રડામણ દૂર કરવા અશોકભાઈએ વ્યાજે રૂપિયા લઈ સેટલ થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં પણ તેઓ નિષ્ફળ ગયા હતા અને તેમના પર દેણું સતત વધતું ગયું હતું. આ જ કારણે અશોકભાઈ અને તેના પરિવારના સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો પોલીસ પાસેથી જાણવા મળી છે.