રાજકોટનાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે

mansukh-sagathiya

ACB દ્વારા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો
મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના મામલે સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાનાં 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ACB દ્વારા આજે કોર્ટમાં મનસુખ સાગઠિયાને રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને જેલ હવાલે કરાયા છે. પૂર્વ TPO મનસુખ સાગઠીયા વિરુદ્ધ ACBએ અપ્રમાણસર મિલકત હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

સાગઠીયા કોના માટે કામ કરતો હતો, એ વિશે ACBને માહિતી મેળવવામાં સફળતા મળી નથી. પહેલા કોર્ટે મનસુખ સાગઠીયાને 6 દિવસ સુધી રિમાન્ડ પર મોકલ્યા હતાં. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.

એસીબી હાલ સાગઠિયાએ નિવેદનમાં જે હકિકતો જણાવી છે,તેનું ક્રોસ વેરીફિકેશન કરી રહી છે. તપાસ માટે સીટની પણ રચના કરવામાં આવી છે. તેના અધિકારીઓ પણ હાલ સાગઠિયાની પૂછપરછ કરી રહ્યા છે. સાગઠિયા સામે કુલ ત્રણ ગુના નોંધાયા છે. એસીબીના ત્રીજા ગુનામાં હાલ રિમાન્ડ પર છે. જે રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે.

સાગઠિયા અને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.

રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે.

નોંધનીય છે કે, આ પહેલા 19 જૂને એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACBના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો. આરોપી સાગઠીયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે.